સુરત : કતારગામમાં (Katargam) રહેતી મહિલાની (Women) પુત્રીને અક્ષયકુમારની (Akshay Kumar) રક્ષાબંધન (Rakshabandhan) ફિલ્મ તેમજ સોની (Sony) અને સબ (Sab) ટીવીના વિવિધ પ્રોગ્રામમાં કાસ્ટિંગ કરવાના નામે રૂા.3.10 લાખ લઇ લીધા બાદ કન્ફર્મેશન લેટર આપવામાં આવ્યો ન હતો. આ અંગે મહિલાએ ઠગબાજ યુવક અને યુવતીની સામે સાયબર ક્રાઇમમાં ફરિયાદ (Complaint) આપી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, કતારગામ જે.કે.પી નગર પાસે ડીએમ પાર્કમાં રહેતા તોરલબેન ચિંતનભાઇ નાવડીયાની ત્રણ વર્ષિય પુત્રી મેસ્વાને ટીવી કાસ્ટિંગ તેમજ ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા રાખતા હોવાથી તેઓએ ફેસબુકમાં કિડ્સ કાસ્ટિંગ અપડેટ્સમાં જોડાયા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક નિધી કપૂર નામની યુવતી સાથે થયો હતો. આ નિધી કપૂરના સંપર્ક બાદ તેણીએ સૌરવ શ્રીવાસ નામના યુવકનો નંબર આપ્યો હતો. સૌરવ શ્રીવાસએ તોરલબેનની પુત્રીને સબ ટીવીના બાળકોના પ્રોગ્રામમાં મેસ્વાના કાસ્ટિંગ માટે શરૂઆતમાં રૂા.45 હજાર માંગ્યા હતા.
ત્યારબાદ સોની ટીવીના પ્રોગ્રામ માટે રજીસ્ટ્રેશન ચાર્જ માંગ્યો હતો, આ ઉપરાંત ટેક્સ સહિતના રૂપિયા માંગીને આખરે સૌરવ શ્રીવાસે તોરલબેનને કહ્યું હતું કે, તમારી પુત્રી અક્ષયકુમારની નવી ફિલ્મ રક્ષાબંધનમાં સિલેક્ટ થઇ ગઇ છે, અને તે માટે તમારે રૂા. 75 હજાર ચાર્જ ચૂકવવો પડશે. તોરલબેનએ આ રૂપિયા પોતાના ભાઇના ખાતામાંથી ટ્રાન્સફર કરી આપ્યા હતા. કુલ્લે રૂા.3.10 લાખ ભરવા છતાં પણ મેસ્વાનું કાસ્ટિંગ થયું ન હતું અને કોઇ કન્ફર્મેશન લેટર આપ્યો ન હતો. આ ઉપરાંત સૌરવ શ્રીવાસનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવતો હતો. આ અંગે તોરલબેનએ સુરત સાયબર ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
વરાછામાં ઘરનો મુખ્ય દરવાજો તોડી 90 હજારની રોકડ અને દાગીનાની ચોરી
સુરત : વરાછામાં એક સોસાયટીમાંથી અજાણ્યો ઘરનો મુખ્ય દરવાજો તોડીને રૂા. 90 હજારની રોકડ અને દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. માતાવાડી હેમકુંજ સોસાયટીમાં મકાન નં-૩૮માં ગત તા ૨૪મીના રાત્રીના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મકાનના મેઈન દરવાજાïની લોખંડની ગ્રીલનો નકુચો તોડી અંદર ઘુસ્યા બાદ પહેલા માળે આવેલ બેડરૂમના કબાટની તિજારીનું લોક તોડી અંદર મુકેલા રોકડા ૬૦,૦૦૦ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૯૦,૦૦૦ના મતાની ચોરી કરી નાસી ગયા હતા. બનાવ અંગે મકાન માલીક મનજીભાઈ પ્રેમજીભાઈ ગોટી (ઉ.વ.૬૫)ની ફરિયાદ લઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.