સુરત : સુરતની (Surat) જાણીતી કિરણ હોસ્પિટલના (Kiran Hospital) મેડિકલ સ્ટોરનો (Medical Store) ફાર્મસી આસિસ્ટન્ટ રૂપિયા ચોરી કરતો સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થયો હતો. તપાસ કરતાં આ ફાર્મસી આસિ. પાસેથી રૂ.5.99 લાખની કિંમતની દવાની રિટર્ન થયેલાં બિલની એન્ટ્રીઓ (Bill Entry) પણ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. આ બાબતે કતારગામ પોલીસે (Police) ફાર્મસી આસિ. સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સુરતના કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલના પાંચમાં માળે આવેલા મેડિકલ સ્ટોરમાં મૂળ રાજસ્થાનનો વતની અને હાલમાં સુરતના અમરોલીના ઉત્રાણ પાસે રંગલક્ષ્મી સોસાયટીમાં રહેતો ધનસિંહ મોહરસિંઘ ફાર્મસી આસિ. તરીકે નોકરી કરતો હતો. ગત તા.20મીના રોજ સ્ટોરમાં કોઇ હાજર ન હતું, ત્યારે મેડિકલના રોકડ મૂકવાના ખાનામાંથી ધનસિંઘ રૂપિયાનું નાનું બંડલ પોતાના ખિસ્સામાં મૂકી રહ્યો હોવાની ઘટના કેદ થઇ ગઇ હતી. આ અંગે મેડિકલ સ્ટોરના મેનેજર પીયૂષ હિરપરાએ મુખ્ય મેનેજમેન્ટ વિભાગમાં જાણ કરી હતી.
કિરણ હોસ્પિટલના મેનેજમેન્ટ વિભાગે ધનસિંઘની જાણ બહાર જ મેડિકલ સ્ટોરની તપાસ કરતાં અગાઉ પણ ધનસિંઘ રૂપિયા કાઢતો નજરે પડ્યો હતો. ધનસિંઘને ઓફિસમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવતાં દર્દી દવા રિટર્ન આપી ગયો છે અને તેની સામે રૂપિયા આપતો હોવાની કબૂલાત કરી હતી. ધનસિંઘએ બે-અઢી મહિનામાં રૂા.10650 રૂપિયા કાઢી લીધા હતા. આ ઉપરાંત તેના હિસાબો ચેક કરતાં ધનસિંઘએ રૂ.5.99 લાખની કિંમતની દવાની રિટર્ન એન્ટ્રીઓ પણ કરી હતી અને આ તમામ રૂપિયાની ઢગાઇ કરી હોવાની પણ શંકા રાખીને તેની સામે કતારગામ પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ બનાવ અંગે હોસ્પિટલના એચઆર મેનેજર જતીન વિજય બારોટની ફરિયાદ લઇ પોલીસે ધનસિંઘની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
પતિ-પત્ની નોકરીએ જતાં જ તસ્કરોએ ૧.૮૭ લાખની ચોરી કરી
વાપી : વાપીના ચલા ખાતે આવેલી એક સોસાયટીના એપાર્ટમેન્ટના બંધ ફ્લેટનો દિવસ દરમિયાન દરવાજો તોડી રૂમમાં કબાટની તિજોરી અને લોકરમાંથી રૂપિયા 1.85 લાખના સોના ચાંદીના દાગીનાની તસ્કરોએ ચોરી કરી હતી.
વાપીના ચલા મુકતાનંદ માર્ગ પર આવેલા ક્રિષ્ના ગોરી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 204માં રહેતા ખેમરાજ ગુલાબરાવ રેવતકર અને તેમની પત્ની ફ્લેટ બંધ કરી બંને કંપનીમાં નોકરીએ ગયા હતા. તે દરમિયાન કોઈ ચોર ઇસમોએ તેમના ફ્લેટનો મુખ્ય દરવાજો તોડી ફ્લેટમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખવામાં આવેલ લોખંડના કબાટનું લોક તોડી કબાટના તિજોરીમાંથી તથા લોકરમાંથી સોના ચાંદીના દાગીના રૂપિયા 1.87 લાખની ચોરી કરી ભાગી ગયા હતા. આ અંગે મોડી સાંજે ઘરે આવેલા દંપતીને જાણ થતાં તેઓએ તાત્કાલિક વાપી ટાઉન પોલીસ મથકમાં ઘરફોર ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.