રાજપીપળા: સાગબારામાં રોમિયો દ્વારા યુવતીને જાહેરમાં ધમકી (Threat) આપી હુમલો (Attack) કરવાની ઘટના સામે આવી છે. યુવકે યુવતીને અંગત ફોટા (Photo) વાયરલ કરી બદનામ કરવાની ધકમી આપી અને ‘મળવા કેમ નથી આવતી?’ તેમ કહી કાચની બોટલ વડે જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી છે.
દેવેન્દ્ર સીંગ્યા વસાવા (રહે.,બોરડી ફળી, તા.સાગબારા, જિ.નર્મદા)એ યુવતીનો મોબાઇલ ફોન હાથમાંથી લઈ બીરસામુડા ચોકથી એનો પીછો કર્યો હતો. ધવલીવેર ગામ પાસે રોડ ઉપર મોબાઇલ ફોન તોડી નાંખી સિમ કાર્ડ કાઢી લીધું અને ફરીથી સાંજના યુવતીના ઘર પાસે આવેલ પાણીની ટાંકી પાસે યુવતી પાણી ભરવા ગઈ હતી ત્યાં પણ પીછો કરી યુવતી પકડી લઇ ખેંચતાણ કરી હતી. યુવતીએ એનો વિરોધ કરતાં દેવેન્દ્રએ ધમકી આપતાં એમ જણાવ્યું હતું કે, તું મને મળવા આવતી નથી. તારા અંગત ફોટા વાયરલ કરી બદનામ કરી દઈશ. સાથે સાથે દેવેન્દ્રએ યુવતીને બે-ત્રણ લાફા મારી દીધા હતા.
દરમિયાન યુવતી હાથ છોડાવી ભાગવા જતાં દેવેન્દ્રએ પોતાના ખિસ્સામાંથી કાચની બોટલ કાઢી યુવતીના માથામાં પાછળના ભાગે મારી લોહીલુહાણ કરી ભાગી ગયો હતો. ઉપરાંત દેવેન્દ્રએ તેના મોબાઇલમાં પાડેલા યુવતીના અંગત ફોટા તેના કાકાના મોબાઇલ વોટ્સએપ ઉપર મોકલી તથા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. ત્યારે પીડિત યુવતીએ રોમિયો દેવેન્દ્ર વસાવા વિરુદ્ધ સાગબારા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.
હલધરૂમાં એપાર્ટમેન્ટના ધાબાના દરવાજાને તાળું મારવા મુદ્દે મહિલાને બળાત્કાર-હત્યાની ધમકી
કામરેજ: કામરેજના હલધરૂ ગામે સત્યમ એવન્યુમાં ફ્લેટ નં.404માં પ્રતિભા ચિરાગ શાહ પરિવાર સાથે રહે છે. થોડા દિવસ અગાઉ એપાર્ટમેન્ટની મીટિંગ કરવામાં આવી હતી. જે મીટિંગમાં એપાર્ટમેન્ટમાં ધાબા પર જવાના દરવાજાને તાળું મારતા ન હોવાથી અમુક લોકો અવારનવાર ધાબા પર આવી ધાબા પર ચાલતી મહિલા તેમજ નાનાં બાળકોને હેરાન કરે છે. જેથી દરવાજાને તાળું મારવાની જરૂર છે તેવી વાત કરી હતી.
સામે ફ્લેટ નં.406માં રહેતા પ્રદીપ લગધીર ખાચર અને પાડોશમાં ફ્લેટ નં.405માં રહેતા વિકી માયકલ સબેસ્ટીન પોતાના ઘરે જઈ મહિલા વિશે ગાળો બોલતા હોવાથી મહિલાએ તમે કેમ મારા વિશે આવું ખરાબ બોલો છો તેમ કહેતાં બંનેએ ઉશ્કેરાઈ જઈ મારી નાંખવાની ધમકી આપી અને બળાત્કાર કરી નહેરમાં ફેંકી દેવાની ધમકી આપી હતી. બાદ મહિલા ઘરમાં રસોઈ બનાવતી હતી, ત્યારે પ્રદીપ ખાચરની પત્ની મનીષાએ ઘરમાં આવીને ધાબા પર તાળું શું કામ મારવાનું કહો છો? વિકીની પત્ની રેશ્મા પણ આવીને બોલવા લાગી હતી. બે દિવસ અગાઉ રાત્રિના 9.30 કલાકે બોલાચાલી થતાં વિકી અને પત્ની રેશમા, પ્રદીપ અને તેની પત્ની મનિષા તેમજ ટોળું ભેગું થઈ જતાં ગાળો આપી મારી નાંખવાની ધમકી આપતાં તમામ સામે કામરેજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી.