અંકલેશ્વર: અંકલેશ્વરના માલી ખડકી વિસ્તારમાં મોટા રામજી મંદિર પાસે ગત રાત્રિના સમયે પોતાના બાળકને લઈ ગરબા (Garba) જોવા જતી પરિણીત મહિલા (Woman) ઉપર તેના જ પતિ (Husband) દ્વારા ખોટો શક વહેમ રાખી રસ્તા (Road) વચ્ચે જ તેને પકડી મોં દબાવી અંધારામાં લઈ જઈ ઢીક્કાપાટુનો માર મારી ચપ્પુ (Knife) વડે હુમલો કરતાં મહિલાને ડાબા પગના ભાગે ચપ્પુ વાગતાં તે ઇજાગ્રસ્ત થતાં ઉપસ્થિત લોકોએ સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ (Hospital) ખસેડી હતી.
અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં રહેતી ઝંખના ગૌરાંગ માણેક પટેલ તેના બે વર્ષીય પુત્ર દીપ સાથે છેલ્લા કેટલાક સમયથી પતિ ખોટો શક વહેમ રાખતો હોવાથી તેના પિયરમાં રહે છે. જે ગતરોજ તેના પિતાના ઘરેથી તેના પુત્ર સાથે ગરબા જોવા ચાલતા ચાલતા જતી હતી. એ જ દરમિયાન તેના પતિ ગૌરાંગ માણેક પટેલે તેની પાસે દોડી જઈ આજે તને જીવતી નહીં છોડું તથા ગાળો ભાંડી ચપ્પુ વડે હુમલો કરી જો પોલીસ ફરિયાદ કરીશ તો હું જીવતી નહીં રહેવા દઉં તેમ જણાવી ત્યાંથી ભાગી ગયો હતો.
ઘટના અંગેની જાણ મહિલાના પરિવારજનોને થતાં પરિવારના સભ્યોએ દોડી જઈ ઈજાગ્રસ્ત પરિણીત મહિલાને સારવાર અર્થે ખસેડી મામલે ગૌરાંગ માણેક પટેલ સામે અંકલેશ્વર શહેર પોલીસમથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી સ્થળ પરથી ફરાર થયેલ ગૌરાંગને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.
વાપીના ઇમરાનનગરમાં મારામારી બાદ ચપ્પુ બતાવી ધમકી
વાપી : વાપીના ઇમરાનનગરમાં ચાની લારી ઉપર ચા પીધા બાદ બે-ત્રણ મિત્રો પૈકી એક યુવકે વાતચીતમાં ખોટું લાગી આવતા ઢીકમુક્કીનો માર માર્યા બાદ ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. વાપીના ઇમરાનનગરમાં રહેતા મેજ્જુદ્દીન સલાઉદ્દીન ખાન તેના મિત્રો સાથે ચા પીધા બાદ જે ઇમરાનગરમાં હતો ત્યારે તેના મિત્રો પૈકી એક યુવકને ખોટુ લાગી આવતા તેણે ઢીકમુક્કીનો માર માર્યો હતો. ત્યારબાદ અન્ય શખ્સને બોલાવીને પણ મારામારી કર્યા બાદ છીરી રામનગરમાં રહેતા અમન સકીલ ખાને ચપ્પુ કાઢીને મેજ્જુદ્દીનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
એટલું જ નહીં મેજ્જુદ્દીનના પિત્રાઈ ભાઈ કુતુબુદ્દીન ખાન ત્યાં આવતા તેને પણ ઇમરાનનગરમાં રહેતો મુનાફ યુનુસ સૈયદ તથા અમન સકીલ ખાન મારવા લાગ્યા હતા. દરમિયાન મુનાફ સૈયદે ટાઈલ્સ કુતુબુદ્દીનને મારી હતી. લોકોની ભીડ થતાં બંને જણ ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે મેજ્જુદ્દીનની ફરિયાદને આધારે વાપી ટાઉન પોલીસે મુનાફ અને અમન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.