તેલંગાણાના પ્રતિષ્ઠિત રાજ્ય ગીત “જય જય હે તેલંગાણા” લખનારા જાણીતા કવિ એન્ડે શ્રીનું 64 વર્ષની વયે અવસાન થયું છે. તેમના પરિવારના જણાવ્યા અનુસાર એન્ડે શ્રીનું નિધન હૃદયરોગના હુમલાને કારણે થયું હોવાનું માનવામાં આવે છે. તેમના અચાનક અવસાનથી રાજ્યના સાહિત્ય અને સંગીત જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ બે દિવસ પહેલા કવિ એન્ડે શ્રીની તબિયત અચાનક બગડી ગઈ હતી અને તેમને સતત પરસેવો આવી રહ્યો હતો. સવારે તેમના પરિવારજનોને તેઓ ઘરના ફ્લોર પર બેભાન હાલતમાં મળ્યા. તેમને તરત જ ગાંધી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અચાનક બનેલી ઘટનાથી આખું પરિવાર અને ચાહકો શોકમગ્ન થઈ ગયા છે.
રાજ્ય સન્માનથી અંતિમ સંસ્કાર કરાશે
તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડી કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડી અને રાજ્ય ભાજપ પ્રમુખ એન. રામચંદ્ર રાવ સહિત અનેક અગ્રણી નેતાઓએ એન્ડે શ્રીના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જણાવ્યું કે એન્ડે શ્રીનું નિધન રાજ્ય માટે અપૂરણીય નુકસાન છે. તેમણે અધિકારીઓને આદેશ આપ્યો છે કે કવિના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવે.
કોણ હતા એન્ડે શ્રી?
એન્ડે શ્રીનું પૂરું નામ એન્ડે યેલૈયા હતું. તેઓ માત્ર કવિ જ નહોતા પરંતુ તેલંગાણાના અલગ રાજ્યના આંદોલન દરમિયાન લોકજાગૃતિ લાવનારા એક પ્રેરણાસ્રોત હતા. તેમના લેખન દ્વારા તેમણે હજારો લોકોને પ્રેરિત કર્યા હતા.
વર્ષ 2023માં જ્યારે કોંગ્રેસ સરકારે તેલંગાણામાં સત્તા સંભાળી હતી. ત્યારે એન્ડે શ્રી દ્વારા લખાયેલું ગીત “જય જય હે તેલંગાણા” સત્તાવાર રીતે રાજ્ય ગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આ ગીત તેલંગાણાની ઓળખ અને ગૌરવનું પ્રતિક બની ગયું હતું.
એન્ડે શ્રીના નિધનથી તેલંગાણાએ એક મહાન સાહિત્યકાર અને રાષ્ટ્રભાવનાને શબ્દ આપનાર કવિ ગુમાવ્યો છે. તેમના ગીતો અને રચનાઓ રાજ્યની સાંસ્કૃતિક ઓળખમાં સદાકાળ જીવંત રહેશે.