uncategorized

હું ઈચ્છું છું જ્વાળામુખીના મુખ પર બેસી લખું કવિતા . પરંતુ વિચારું છું કે……..

સમાજસુધારક સ્વામી દયાનંદ સરસ્વતીએ સંદેશો આપ્યો હતો કે વેદો તરફ પાછા વળો.આજે આપણે સ્વ-સુધારણા માટે પુસ્તકો તરફ વળવાની જરૂર છે.પુસ્તક જ મસ્તિષ્કનું પાલક અને પોષક છે. થોરોએ સાચું જ કહેલું છે કે પુસ્તક પ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે. -કમલેશ શુકલ

હું ઈચ્છું છું
જ્વાળામુખીના મુખ પર
બેસી લખું કવિતા…
પરંતુ વિચારું છું કે
જે કવિતા લખે છે
શું તે નથી હોતો
જ્વાળામુખીના મુખ પર ?
દામોદર ખડગે,અનુ.દીપક રાવલ

કોલેજની કેમેસ્ટ્રી લેબમાં કોઈ સાધન તૂટેફૂટે તો તેનું બિલ જેનાથી તૂટ્યું હોય તેણે ભરવું પડતું.વિદ્યાર્થી ગેરહાજર હોય તો તેની જગ્યાએ જે હોય તે બિલ ભરી દે અને જેનાથી તૂટ્યું હોય તેની પાસેથી પૈસા વસૂલી લેવાતા. બ્યૂરેટ,પિપેટ,કસનળી જેવાં સાધનો કાચના રહેતા.એક વાર મારાથી પિપેટ તૂટી ગઈ.ખરેખર તો મારા લેબ પાર્ટનરથી એ તૂટી હતી,પણ તે મારા કરતાં વધારે ચતુર હતો.તેણે પિપેટનું બિલ મને આપ્યું અને શરમમાં મારે તે ભરવું પડ્યું. એવી ચાટી ગઈ કે ગઝલના શે’ર જેવું ઘસડી માર્યું. લખાયું. તેની આસપાસ જ કોલેજમાં ફંકશન હતું. મેં બીતાંબીતાં મારા લેબ ડેમોન્સ્ટ્રેટરને બે પંક્તિઓ વાંચવા આપી.મારું નામ દઈને પંક્તિ રજૂ કરી.તે આ પ્રમાણે હતી :

‘તૂટ્યું દિલ ત્યારે કોઈ ન આવ્યું દિલાસો લઈને,
ને એક પિપેટ શું તૂટી તે દોડી આવ્યા બિલ લઈને…

આખો હૉલ ઊછળી પડ્યો.એટલી તાળીઓ પડી કે પછી તાળી માટેનો લોભ ક્યારેય થયો જ નહીં ! એ જ દિવસથી સાહેબનો માનીતો થઈ ગયો.મારા મિત્રો મને કવિ કહેવા લાગ્યા અને કવિતા વિશે કંઇ પણ જાણ્યા કર્યા વગર હું કવિ થઈ ગયો.-રવીન્દ્ર પારેખ

ગણપત પટેલની મૌનની ભાષા
ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-૧ માં રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને એવા અન્ય ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત્ત થયેલા ગણપત પટેલ મૂળ તો કવિતાનો જીવ છે.આ પૂર્વે એમણે તનહા,સ્મરણ ભીનાં ભીનાં,અવકાશ,કોમળતાનો પગરવ જેવા ચાર ગઝલસંગ્રહ ભેટ ધર્યા છે.કવિનો આ પાંચમો સંગ્રહ 125 જેટલી રચનાઓ રજૂ કરે છે.મૌનની ભાષાને સમજવા પ્રબળ સંવેદના જોઈએ.એ જ્યારે પડઘો પાડતી નથી ત્યારે કવિ કહે છે કે :

‘આંખમાં,ચહેરા ઉપર ને હોઠમાં વંચાય છે
એક પળમાં કેટલી વાતો સુણાવી જાય છે !
ધ્યાનથી જો વાંચશો તો ખૂબ સહેલી છે,છતાં
મૌનની ભાષા હજી આજેય ક્યાં સમજાય છે ?

કવિ પાસે વાતને રજૂ કરવાની,કાવ્યમાં ઢાળવાની ફાવટ છે હું પણાને સૌ પ્રથમ બાકાત કર,તું નર્યો માણસ બનીને વાત કર’જેવું ધારદાર કથન કવિની વિશેષતા બની રહે એવું છે.અનુભવજગતને તિર્યક્પણે પ્રગટ કરી શકવાની શક્તિ પણ આ રચનાઓમાં પમાય છે.માનવી થઈને બહુ આરામથી જીવી શકત,સત્પુરુષ થઈ જીવવાનું આખરે ભારે પડ્યું ’જેવી પંક્તિઓમાં કવિસૂઝ અને સામર્થ્ય વરતાય છે.કવિની કાવ્ય પ્રતિની સભાનતા રજૂ કરતી પંક્તિ શબ્દનો કંઇ માનમોભો તો રહે,અન્યથા કાગળ ભલે કોરો રહે’માં પ્રગટ થઇ છે.એ માનમોભો કવિ આ રચનાઓમાં સાચવી જાણે છે.

વિષયવૈવિધ્ય પણ આ રચનાઓનું એક ખાસ પાસું બને છે. પથ્થર અને શ્રદ્ધા એ બે ને સાથે સાથે મૂકી આપી કવિ જે સંકલન રચી આપે છે એ દાદ આપવા સરખું બની રહે છે. ‘આમ જુઓ તો પથ્થર જેવો પથ્થર છે, શ્રદ્ધાનું સરનામું એની અંદર છે.’એમ કહીને શ્રદ્ધાનું બળ દર્શાવી આપે છે.એક પંખી પાંજરે પુરાય છે,ઝાડ ને આકાશ સૂનાં થાય છે.સાવ સાદી અભિવ્યક્તિમાં કવિ ઘણું કહી શકવાની ગુંજાશ ધરાવે છે.આ રચનાઓમાં કવિનો ભાવ,ભાષા,ગઝલનો મિજાજ અને રજૂઆત ધ્યાનપાત્ર બને છે.એમણે મારી હયાતીનો પુરાવો માંગતા,એમની સામે ધરી મેં શ્વાસની આ આવ-જા’જેવાં સૂક્ષ્મ સંવેદનો આ રચનાઓનો પ્રાણ બની રહે છે.કવિની રચનાઓ બહારને બદલે અંદરનો વિશેષ પ્રગટ કરી આપનારી છે.આ કવિની સાદગી,ઊંડો ભાવલોક અને અસરકારક રજૂઆત પ્રત્યેક ગઝલમાં પામી શકાય એમ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top