World

પ્રધાનમંત્રી મોદીની જાપાન મુલાકાત: સહકારના નવા રસ્તાઓ શોધવાની તક, ટોક્યોમાં ભવ્ય સ્વાગત

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના બે દિવસીય પ્રવાસે છે. તેઓ 15મા ભારત અને જાપાન વાર્ષિક શિખર સંમેલનમાં હાજરી આપવા ટોક્યો પહોંચ્યા છે. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબાના આમંત્રણ પર પીએમ મોદીની આ મુલાકાત યોજાઈ છે.

ટોક્યો એરપોર્ટ પર તેમના આગમન સમયે ભારતીય સમુદાય અને જાપાનના વરિષ્ઠ અધિકારીઓએ પરંપરાગત રીતે સ્વાગત કર્યું. સ્થાનિક કલાકારોએ સાંસ્કૃતિક પ્રદર્શન કરીને અનોખો માહોલ સર્જ્યો હતો. આ મુલાકાત માત્ર દ્વિપક્ષીય રાજકીય સંબંધો પૂરતી મર્યાદિત નથી પરંતુ વેપાર, રોકાણ, સુરક્ષા અને સાંસ્કૃતિક સહયોગને નવી દિશા આપનારી માનવામાં આવી રહી છે.

વેપાર અને રોકાણ પર ભાર
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે તેઓ ટોક્યોમાં ભારતીય સમુદાયના સ્નેહ અને હૂંફથી અભિભૂત થયા છે. ભારતીય સમુદાય પોતાની સાંસ્કૃતિક મૂળને જાળવીને જાપાની સમાજમાં યોગદાન આપી રહ્યા છે. જે અત્યંત પ્રશંસનીય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ મુલાકાત દરમિયાન તેઓ ખાસ કરીને ભારત અને જાપાનના વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂકશે.

આ માટે તેઓ વિવિધ વ્યાપારી નેતાઓના જૂથો સાથે બેઠક કરશે. અનુમાન છે કે ટેકનોલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન એનર્જી ક્ષેત્રોમાં નવા પ્રોજેક્ટ્સ પર ચર્ચા થશે.

જાપાનના વડાપ્રધાન સાથે બેઠક
તા.29-30 ઓગસ્ટ દરમિયાન પ્રધાનમંત્રી મોદી અને જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇશિબા વચ્ચે પ્રથમ ઔપચારિક દ્વિપક્ષીય બેઠક યોજાશે. બંને દેશો વચ્ચેની ચર્ચામાં સંરક્ષણ, સુરક્ષા, વેપાર, રોકાણ, ડિજિટલ ઈકોનોમી અને ગ્લોબલ ચેન્જ જેવા મુદ્દાઓ પર ભાર રહેશે.

વિશેષરૂપે, વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારી (Special Strategic and Global Partnership) વધુ મજબૂત બનશે એવી અપેક્ષા છે.

ભારત અને જાપાન સંબંધોમાં નવો અધ્યાય
પ્રધાનમંત્રી મોદીની આ જાપાન મુલાકાત તેમની વડાપ્રધાન તરીકેની આઠમી મુલાકાત છે. આથી સ્પષ્ટ થાય છે કે જાપાન ભારત માટે કેટલું મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સાથીદાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં બંને દેશો વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ડિફેન્સ સહકાર, સ્માર્ટ સિટીઝ અને ટેકનોલોજી ટ્રાન્સફર જેવા ક્ષેત્રોમાં મજબૂત ભાગીદારી જોવા મળી છે.

પીએમ મોદીએ જણાવ્યું કે આ મુલાકાત હાલની ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની સાથે સહયોગના નવા રસ્તાઓ શોધવાની તક છે.

Most Popular

To Top