વડાપ્રધાન Narendra Modi 31 માર્ચે ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે, જેમાં તેઓ ઔદ્યોગિક વિકાસ અને આધ્યાત્મિક વારસાને જોડતા અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ મુલાકાત ગુજરાતને વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે મજબૂત બનાવવા સાથે રાજ્યના સાંસ્કૃતિક વારસાને પણ નવી ઓળખ આપશે. પ્રધાનમંત્રીનો કાર્યક્રમ સવારે અમદાવાદ એરપોર્ટ પર આગમનથી શરૂ થશે, ત્યારબાદ તેઓ કોબા તીર્થ, ગાંધીનગર પહોંચશે. અહીં તેઓ જૈન વારસાને સમર્પિત સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે. આ મ્યુઝિયમમાં જૈન ધર્મ સાથે જોડાયેલા દુર્લભ ગ્રંથો, પ્રાચીન કલા અને ઐતિહાસિક દસ્તાવેજોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, જે આધ્યાત્મિક વારસાને જાળવવાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.
ત્યારબાદ તેઓ સાણંદ ખાતે કેન્સ સેમિકોનના અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ ભારતને ચિપ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતને વૈશ્વિક નકશા પર સ્થાન અપાવવાનો આ પ્રયત્ન છે, જે સાથે હજારો યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરશે. બપોર બાદ પ્રધાનમંત્રી ડીસા પહોંચશે, જ્યાં તેઓ નાણી ગામ ખાતે યોજાનારી વિશાળ જાહેરસભાને સંબોધિત કરશે. આ કાર્યક્રમ દરમિયાન ઉત્તર ગુજરાતના વિકાસ માટેના અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. સાંજે તેઓ ડીસાથી આગળના કાર્યક્રમ માટે રવાના થશે. આ એક દિવસીય મુલાકાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વિકાસને નવી દિશા આપતી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, જેમાં ઉદ્યોગ અને સંસ્કૃતિ બંનેને સમાન મહત્વ આપવામાં આવ્યું છે.