પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ તા.10 ઓગસ્ટે કર્ણાટકની રાજધાની બેંગલુરુની મુલાકાતે પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. લોકોની ભારે ભીડ પીએમ મોદીને જોવા માટે રસ્તાઓ પર ઉમટી પડી.
બેંગલુરુના KSR રેલ્વે સ્ટેશન પરથી પીએમ મોદીએ ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી. આ ટ્રેનોમાં બેંગલુરુ-બેલગામ, અમૃતસર–શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને નાગપુર (અજની)–પુણે વચ્ચેની ટ્રેનોનો સમાવેશ થાય છે. આ નવી ટ્રેનો મુસાફરોને વધુ ઝડપી, આરામદાયક મુસાફરીની સુવિધા પૂરી પાડશે.
આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ બેંગલુરુ મેટ્રોની યલો લાઇનનું ઉદ્ઘાટન કર્યું, જે RV રોડ (રાગીગુડ્ડા) થી બોમ્માસંદ્રા સ્ટેશન સુધી જોડશે. તેમણે ઇલેક્ટ્રોનિક સિટી સ્ટેશન સુધી મેટ્રોમાં સફર પણ કરી.
આ સાથે, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી (IIIT) બેંગલુરુ ખાતે મેટ્રો ફેઝ-III નો શિલાન્યાસ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટથી બેંગલુરુમાં મેટ્રો નેટવર્કનું વિસ્તરણ થશે અને ટ્રાફિક ભાર ઘટશે તેવી અપેક્ષા છે.
સરકારી અધિકારીઓ મુજબ, આ પરિવહન સુવિધાઓના વિકાસથી મુસાફરીનો સમય ઘટશે, આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે અને રોજગારીના નવા અવસર ઊભા થશે.
મુલાકાત પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી HAL એરપોર્ટ જશે અને બપોરે 2.45 વાગ્યે દિલ્હી જવા માટે રવાના થશે.
આ કાર્યક્રમોથી કર્ણાટકમાં આધુનિક રેલવે અને મેટ્રો સુવિધાઓના વિસ્તરણને મોટી ગતિ મળશે.