અમેરિકા અને ઈઝરાયલ સાથેના સંઘર્ષને કારણે મધ્ય પૂર્વમાં તણાવ વધતા ભારત પણ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ ડૉ. મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી અને હાલની ગંભીર પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં જણાવ્યું કે બંને નેતાઓએ પ્રદેશમાં વધતા તણાવ, નાગરિકોના જાનમાલના નુકસાન અને માળખાગત સુવિધાઓને થયેલા નુકસાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વાતચીત દરમિયાન પીએમ મોદીએ ભારતીય નાગરિકોની સુરક્ષા અને ઊર્જા સપ્લાયની સતતતા ભારત માટે ટોચની પ્રાથમિકતા હોવાનું જણાવ્યું. તેમણે શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે તે માટે ભારતની પ્રતિબદ્ધતા પુનરાવર્તિત કરી અને સંવાદ તથા કૂટનિતી દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરી. વિદેશ મંત્રાલય અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં ભારત અને ઈરાનના વિદેશ પ્રધાનો વચ્ચે પણ ત્રણ વખત વાતચીત થઈ ચૂકી છે.
આ ચર્ચા બાદ ભારતને સંભવિત તેલ અને ગેસ સંકટમાંથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ ઈરાની રાષ્ટ્રપતિને તેલ તેમ જ અન્ય માલસામાનના પરિવહન માટે સહકાર સુનિશ્ચિત કરવાની વિનંતી કરી હતી. બંને નેતાઓએ ભારતીય નાગરિકો અને ભારતીય માલસામાન લઈ જતા જહાજોની સલામતી અંગે પણ ચર્ચા કરી હતી. નોંધનીય છે કે તાજેતરમાં ઈરાક નજીક અમેરિકન જહાજ પર થયેલા હુમલામાં એક ભારતીયના મોતની માહિતી સામે આવી હતી. આ દરમિયાન ઈરાનના નવા સુપ્રીમ લીડર આયતુલ્લાહ મોજતબા ખામેનેઈએ દુનિયાને સંબોધતા કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ હાલ માટે બંધ રાખવામાં આવશે. તેમણે ગલ્ફ વિસ્તારમાં આવેલા અમેરિકી લશ્કરી મથકો અંગે પણ કડક ચેતવણી આપી અને જણાવ્યું કે આ વિસ્તારમાં આવેલા યુએસ બેઝને નિશાન બનાવવામાં આવી શકે છે. મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે દરિયાઈ માર્ગોની સુરક્ષા ભારત માટે મહત્વપૂર્ણ મુદ્દો બની ગયો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે તાજેતરની વાટાઘાટોમાં દરિયાઈ શિપિંગ સુરક્ષા અને ભારતની ઊર્જા સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે, ઈરાન દ્વારા ભારતીય જહાજોને પસાર થવા માટે વિશેષ છૂટ આપવામાં આવી છે કે નહીં તે અંગે તેમણે વધુ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.