World

આતંકવાદનું સમર્થન કરનારા દેશોને PM મોદીનો કડક સંદેશ, ”ભારત સહન નહીં કરે…”

ચીનની પોર્ટ સિટી તિયાનજિનમાં આયોજિત 25માં SCO શિખર સંમેલનને સંબોધિત કરતી વખતે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ, નવી વિશ્વ વ્યવસ્થા, બહુપક્ષીયતાની હિમાયત કરી છે. પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કોઈપણ દેશનું નામ લીધા વિના કહ્યું કે શું કેટલાક દેશો દ્વારા આતંકવાદને ખુલ્લું સમર્થન આપણને સ્વીકાર્ય હોઈ શકે છે? અમેરિકા જેવી શક્તિઓને સંદેશ આપતા તેમણે કહ્યું કે ગ્લોબલ સાઉથની આકાંક્ષાઓને જૂના માળખામાં કેદ રાખવી એ ભવિષ્યની પેઢીઓ માટે ગંભીર અન્યાય છે. સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની હિમાયત કરતા તેમણે કહ્યું કે 80મી વર્ષગાંઠ નિમિત્તે, આપણે સર્વસંમતિથી UN સુધારા માટે હાકલ કરી શકીએ છીએ.

ચીનમાં યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન કાઉન્સિલ (SCO) સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સમક્ષ આતંકવાદનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો. પોતાના સંબોધન દરમિયાન તેમણે સ્પષ્ટ કહ્યું કે ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદનો ભોગ બની રહ્યું છે પરંતુ હવે ભારત સહન નહીં કરે. તે પણ સામે જવાબ આપશે.

પહેલગામ હુમલાનો ઉલ્લેખ
પીએમ મોદીએ પોતાના ભાષણમાં તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલાની યાદ અપાવી. તેમણે કહ્યું કે આ હુમલો ફક્ત ભારત માટે નહીં પરંતુ માનવતામાં વિશ્વાસ રાખતા દરેક દેશ અને વ્યક્તિ માટે ખુલ્લો પડકાર હતો. આવા હુમલાઓને સમર્થન આપતા કેટલાક દેશોની ભૂમિકા પર પણ તેમણે આડકતરી ટીકા કરી અને જણાવ્યું કે હવે દુનિયાએ નક્કી કરવું પડશે કે શું આતંકવાદને ખુલ્લું સમર્થન સ્વીકાર્ય છે કે નહીં.

ભારતની ભૂમિકા
મોદીએ જણાવ્યું કે ભારત આતંકવાદ સામેની લડાઈમાં હંમેશાં આગળ રહ્યું છે. ભારતે સંયુક્ત માહિતી અભિયાન દ્વારા અલ-કાયદા અને તેના જેવા સંગઠનો સામે લડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં આતંકવાદને મળતા નાણાંકીય સહાયને રોકવા માટે પણ ભારતે અવાજ ઉઠાવ્યો છે. આ અભિયાનમાં સહયોગ આપતા દેશોનો આભાર પણ તેમણે માન્યો.

SCO માટે ભારતનું વિઝન
પ્રધાનમંત્રીએ SCO સમિટમાં પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું કે SCO માટે ભારતનું વિઝન ત્રણ પાયા પર આધારિત છે 1. S- સુરક્ષા 2. C- કનેક્ટિવિટી અને 3. O- તક.

સુરક્ષા (Security): કોઈપણ દેશના વિકાસ માટે શાંતિ અને સ્થિરતા અગત્યની છે. પરંતુ આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદ આ માર્ગના સૌથી મોટા અવરોધ છે.

કનેક્ટિવિટી (Connectivity): દેશો વચ્ચે સહકાર અને સંબંધ મજબૂત થવા જોઈએ.

તક (Opportunity): સભ્ય દેશોને સાથે મળીને વિકાસના નવા અવસર ઊભા કરવા જોઈએ.

આતંકવાદ સામે કડક વલણ
મોદીએ વધુમાં જણાવ્યું કે આતંકવાદ ફક્ત એક દેશની સુરક્ષાને નહીં પરંતુ સમગ્ર માનવજાતને પડકાર છે. કોઈ દેશ, સમાજ કે નાગરિક તેના પ્રભાવથી સુરક્ષિત રહી શકતો નથી. તેથી જ જરૂરી છે કે દરેક દેશ એકસાથે ઉભા રહીને દરેક આતંકવાદનો વિરોધ કરે.

અંતિમ સંદેશ
પીએમ મોદીએ SCOના સભ્યોને સંદેશ આપ્યો કે આતંકવાદ સામે લડવું માનવતા પ્રત્યેની ફરજ છે. ભારત હંમેશાં આ દિશામાં આગળ રહ્યું છે અને આગળ પણ વિશ્વ સાથે મળીને આતંકવાદ, ઉગ્રવાદ અને અલગતાવાદ સામે લડત ચાલુ રાખશે.

Most Popular

To Top