નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) શુક્રવારે પશ્ચિમ બંગાળના (West Bengal) બર્ધમાનમાં ગરજ્યા હતા. તેમજ ચૂંટણી પ્રચાર દરમિયાન વડાપ્રધાને અહીં એક રેલીને પણ સંબોધિત કરી હતી. આ રેલીમાં પીએમ મોદીએ રાહુલ ગાંધીના (Rahul Gandhi) રાયબરેલીથી લોકસભા ચૂંટણી લડવાના નિર્ણય પર આકરા પ્રહારો કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બર્ધમાન પહોંચીને ચૂંટણી રેલીને સંબોધી હતી. દરમિયાન PM એ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું, મેં પહેલા કહ્યું હતું કે રાહુલ ગાંધી વાયનાડ હારી રહ્યા છે અને તેઓ નવી સીટ શોધી રહ્યા છે. તેમના શિષ્યોએ સ્પષ્ટપણે કહી રહ્યા હતા કે તેઓ અમેઠીથી લડશે. પરંતુ તેઓ એટલા ડરી ગયા છે કે તેઓ વાયનાડથી ભાગીને રાયબરેલી પહોંચી ગયા છે.
‘ડરશો નહીં, ભાગશો નહીં’, PM મોદીએ રાહુલ પર નિશાન સાધ્યું
સોનિયા ગાંધી પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે હવે ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલની જરૂર નથી. મેં સંસદમાં પહેલા જ કહ્યું હતું કે તેમના સૌથી મોટા નેતા ચૂંટણી નહીં લડે અને તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટણી લડશે. મેં પહેલેથી જ કહી દીધું હતું કે શહેજાદાઓ વાયનાડમાં હારી જવાના છે અને હારના ડરને કારણે મતદાન પૂરું થતાં જ તે બીજી સીટ શોધવાનું શરૂ કરશે. આ લોકો રેલીઓમાં જાય છે અને દરેકને કહે છે – ગભરાશો નહીં. હું પણ તેમને એ જ કહીશ – ગભરાશો નહીં. ભાગશો નહિ.
પીએમ મોદીએ કહ્યું, હું એ પણ જણાવવા માંગુ છું કે કોંગ્રેસ પહેલા કરતા ઓછી સીટો પર સંકોચાઇ જવાની છે. તેમજ આ વખતે તેઓ દ્વારા ચૂંટણી પહેલા કરતા ઓછી સીટો પર લડવામાં આવી રહી છે. વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોક અંગે પીએમ મોદીએ કહ્યું કે તેઓ ચૂંટણીના મેદાનનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ દેશના ભાગલા પાડવા માટે કરી રહ્યા છે. આ ગઠબંધન માત્ર એક વોટ બેંકને સમર્પિત છે.
‘હું મોજ કરવા માટે જન્મ્યો નથી’
વડાપ્રધાને કહ્યું કે આખા દેશએ અને તમે બધાએ મને ખૂબ આશીર્વાદ આપ્યા છે. જીવનમાં આનાથી મોટો સંતોષ કયો હોય? તેમણે કહ્યું કે હું મોજ કરવા માટે જન્મ્યો નથી, મારે મારા માટે જીવવું નથી. તમારી સેવા કરવાના સંકલ્પ સાથે, હું મહાન ભારત માતાના 140 કરોડ દેશવાસીઓની સેવા કરવા માટે જન્મ્યો છું.