અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ વધારવાની ઘોષણાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો સ્પષ્ટ સંદેશો આપ્યો છે. એમએસ સ્વામિનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત માટે ખેડૂતોનું હિત સર્વોચ્ચ છે. તેઓએ કહ્યું કે, “મારે કદાચ ભારે કિંમત ચૂકવવી પડે, પણ હું તેની માટે તૈયાર છું.
તેમણે કહ્યું કે ‘ભારત ક્યારેય ખેડૂતો, માછીમારો અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના હિત સામે સમાધાન નહીં કરે’. એમનો ઈશારો સ્પષ્ટ રીતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય ઉત્પાદનો પર વધારેલા ટેરિફ તરફ હતો.
પીએમ મોદીએ આડકતરી રીતે જણાવ્યું કે આપણા દેશ માટે ખેડૂતોનું હિત સૌથી અગત્યનું છે અને તે માટે કેવો પણ ખર્ચ આવે, ભારત પછાત નહીં પડે.
સ્વામિનાથન સાથેના સંબંધોને યાદ કર્યા:
પ્રધાનમંત્રીએ એમ.એસ. સ્વામિનાથન સાથેના જૂના સંબંધોની પણ યાદ તાજી કરી. તેમણે જણાવ્યું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે કૃષિ ક્ષેત્ર ભારે સંકટમાં હતું. દુષ્કાળ અને ચક્રવાતના કારણે જમીન બાંઝ થઈ રહી હતી. ત્યારે તેમણે “સોઇલ હેલ્થ કાર્ડ” જેવી પહેલ શરૂ કરી હતી, જેમાં પ્રો. સ્વામિનાથને પણ રસ હતો અને તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
પીએમ મોદીએ એમએસ સ્વામિનાથનને ભારત માતાના સાચા પુત્ર ગણાવ્યા. તેમણે કહ્યું કે સ્વામિનાથન એવા વૈજ્ઞાનિક હતા જેમણે વિજ્ઞાનને લોકહિત માટે સમર્પિત કર્યું. તેમના યોગદાનથી ભારતમાં ખાદ્ય સુરક્ષા મજબૂત બની છે અને તેમનો વિઝન ભવિષ્યમાં પણ ભારતને માર્ગદર્શન આપતો રહેશે.