બિહારમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતા હીરાબેન વિરુદ્ધ અભદ્ર શબ્દો બોલાયા હોવાનો ભાજપે ગંભીર આરોપ મૂક્યો છે. ભાજપના આક્ષેપ મુજબ આ ઘટના કોંગ્રેસ અને આરજેડીના સંયુક્ત કાર્યક્રમ દરમિયાન બની હતી. જેમાં મંચ પરથી સૂત્રોચ્ચાર અને અપશબ્દોનો ઉપયોગ થયો હતો.
ભાજપના નેતાઓએ આ મુદ્દાને લઈને કડક પ્રતિક્રિયા આપી છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર વડાપ્રધાનનો જ નહીં પરંતુ સમગ્ર બિહારના લોકોનો પણ અપમાન છે. ભાજપે રાહુલ ગાંધી અને આરજેડીના નેતા તેજસ્વી યાદવ પાસે કાન પકડી માફી માંગવાની માંગ કરી છે.
ભાજપની પ્રતિક્રિયા
ભાજપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કોંગ્રેસ અને આરજેડી પર આક્ષેપ કર્યો છે. પોસ્ટમાં લખ્યું છે કે “તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન અને તેમની માતા વિરુદ્ધ અપમાનજનક શબ્દો બોલાયા છે. આ માત્ર રાજકીય સીમા ઓળંગવાનો કિસ્સો નથી પરંતુ બિહારની સંસ્કૃતિ અને પરંપરાનો પણ અપમાન છે.”
ભાજપે વધુમાં કહ્યું કે “રાહુલ ગાંધી જો કાન પકડીને ઊભા રહીને હજાર વાર પણ માફી માંગે તો પણ બિહારના લોકો આ અપમાનને ક્યારેય ભૂલશે નહીં.”
દક્ષિણના નેતાઓ પર પણ નિશાન
ભાજપે વિપક્ષી ગઠબંધન પર બીજો આરોપ મૂક્યો છે કે બિહાર ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આરજેડીએ દક્ષિણના નેતાઓને પ્રચાર માટે આમંત્રિત કર્યા હતા. ભાજપના કહેવા મુજબ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીને બિહારમાં બોલાવીને સ્થાનિક મતદારોનું અપમાન કરવામાં આવ્યું છે.
આ સમગ્ર મામલાએ બિહાર ચૂંટણીની ગરમીમાં વધુ તાપ ઉમેર્યો છે. ભાજપ સતત આ મુદ્દાને ઉઠાવીને કોંગ્રેસ પર દબાણ બનાવી રહ્યું છે, જ્યારે કોંગ્રેસ પક્ષે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ સ્પષ્ટીકરણ આપ્યું નથી. આગામી દિવસોમાં આ વિવાદ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.