પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તા. 30 નવેમ્બર રવિવારે તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 128મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધ્યા હતા. તેમણે નવેમ્બરમાં દેશે હાંસલ કરેલા અનેક ક્ષેત્રોના મહત્વપૂર્ણ સિદ્ધિઓની ચર્ચા કરી અને “વોકલ ફોર લોકલ”ના મંત્રને ફરીથી યાદ અપાવ્યો.
દેશમાં પ્રેરણાદાયક ઘટનાઓનો મહિનો
પીએમ મોદીએ જણાવ્યું કે નવેમ્બર મહિનો દેશ માટે પ્રેરણાઓથી ભરેલો રહ્યો. તા.26 નવેમ્બરે બંધારણ દિવસના અવસરે સંસદના સેન્ટ્રલ હોલમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. સાથે જ વંદે માતરમની 150મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી દેશભરમાં થઈ. તા.25 નવેમ્બરે અયોધ્યામાં રામ મંદિર ખાતે પહેલી વાર ધ્વજ ફરકાવવામાં આવ્યો અને કુરુક્ષેત્રના જ્યોતિસર ખાતે પંચજન્ય સ્મારકનું ઉદ્ઘાટન થયું.
પીએમએ હૈદરાબાદમાં વિશ્વની સૌથી મોટી લીપ એન્જિન MRO સુવિધાના ઉદ્ઘાટનની પણ ચર્ચા કરી. જે ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં મોટું પગલું છે. ગયા અઠવાડિયે INS માહે ભારતની નૌકાદળમાં સામેલ થયું. ઉપરાંત સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસે ભારતના અવકાશ ઇકોસિસ્ટમને નવી ગતિ આપી.
કૃષિ ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ
પીએમ મોદીએ જણાવ્યું કે ભારતે આ વર્ષે 357 મિલિયન ટન ખાદ્યાન્નનું ઉત્પાદન કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે. દસ વર્ષમાં 100 મિલિયન ટનનો વધારો થયો છે. જે ખેડૂતોની મહેનત અને નવી તકનીકના ઉપયોગનું પરિણામ છે.
રમતગમત જગતમાં ભારતનો ડંકો
થોડા દિવસો પહેલા ભારતને કોમનવેલ્થ ગેમ્સના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું. બ્લાઇન્ડ વુમન ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ જીતની પણ તેમણે પ્રશંસા કરી. પીએમએ કહ્યું કે ટીમે એક પણ મેચ હાર્યા વિના જીત મેળવી. જે દરેક ભારતીય માટે ગૌરવની વાત છે.
Gen-Z અને ડ્રોન ટેક્નોલોજીની ચર્ચા
પીએમ મોદીએ ISROની ડ્રોન સ્પર્ધાનો ઉલ્લેખ કર્યો. જેમાં યુવાનોને મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિમાં GPS વગર ડ્રોન ઉડાડવાનો પડકાર આપ્યો હતો. ઘણા ડ્રોન ઉભા રહી શક્યા નહીં પરંતુ પુણેની એક ટીમે સતત પ્રયત્નો કરીને સફળતા મેળવી. પીએમએ કહ્યું કે યુવાનોની આ જિજ્ઞાસા અને સાહસ ભારતની નવી શક્તિ છે.
વોકલ ફોર લોકલનો સંદેશ
પીએમ મોદીએ ફરી ભારપૂર્વક જણાવ્યું કે દેશની પ્રગતિ માટે સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું જરૂરી છે. તેમણે ખુલાસો કર્યો કે G-20 સમિટ દરમિયાન વિશ્વના નેતાઓને ભેટ આપતી વખતે પણ તેમણે ‘વોકલ ફોર લોકલ’ની ભાવનાને મહત્વ આપ્યું. જેથી આપણે પણ જેમ બને તેમ સ્વદેશી વસ્તુમનો ઉપયોગ કરવો જોઈએ.