પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી એટેલે કે 15 ડિસેમ્બર સોમવારથી ચાર દિવસના વિદેશ પ્રવાસે નીકળ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ ત્રણ દેશોની મુલાકાત લેશે. જેમાં જોર્ડન, ઇથોપિયા અને ઓમાનનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીની આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભારતના મિત્ર દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાનો, વેપાર અને સંરક્ષણ સહયોગ વધારવાનો તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે.
પ્રધાનમંત્રી મોદીની યાત્રાનો પ્રથમ તબક્કો જોર્ડનથી શરૂ થશે. 15 અને 16 ડિસેમ્બરે તેઓ જોર્ડનની રાજધાની અમ્માનમાં રહેશે. અહીં પીએમ મોદી જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીય બિન અલ હુસૈન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ આ મુલાકાત ભારત અને જોર્ડન વચ્ચેના રાજકીય, આર્થિક અને વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ આપશે. બંને નેતાઓ વેપાર, ઉર્જા, સંરક્ષણ અને પશ્ચિમ એશિયામાં શાંતિ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
પ્રવાસના બીજા તબક્કામાં 16થી 17 ડિસેમ્બર દરમિયાન પ્રધાનમંત્રી મોદી ઇથોપિયાની મુલાકાત લેશે. આ તેમની ઇથોપિયાની પ્રથમ અધિકૃત મુલાકાત હશે. જે ભારત અને આફ્રિકન દેશો વચ્ચેના સંબંધોમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અદીસ અબાબામાં પીએમ મોદી ઇથોપિયાના વડા પ્રધાન અબીય અહમદ અલી સાથે બેઠક કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, વિકાસ સહયોગ અને ક્ષમતાવર્ધન જેવા વિષયો પર ચર્ચા થવાની શક્યતા છે.
પ્રવાસના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી મોદી 17થી 18 ડિસેમ્બરે ઓમાનની સલ્તનતની મુલાકાત લેશે. ઓમાનના સુલતાન હૈથમ બિન તારિક સાથે તેમની બેઠક યોજાશે. ભારત અને ઓમાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને 70 વર્ષ પૂર્ણ થયા છે. જેને ધ્યાનમાં રાખીને આ મુલાકાત ખાસ મહત્વ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે 2023 પછી પીએમ મોદીની આ બીજી ઓમાન મુલાકાત હશે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પીએમ મોદીની આ ત્રણ દેશોની યાત્રા ભારતની વૈશ્વિક નીતિને મજબૂત કરશે અને મિત્ર દેશો સાથે સહયોગને નવી દિશા આપશે.