પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તા.21 સપ્ટેમ્બર 2025ના સાંજે 5 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. પીએમ મોદી કયા મુદ્દાઓ પર બોલશે તેની સત્તાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી પરંતુ સૂત્રો મુજબ તેમનું સંબોધન GST સુધારાઓ સાથે જોડાયેલું હોઈ શકે છે. આવતીકાલે એટલે કે તા.22 સપ્ટેમ્બરથી નવા GST દરો અમલમાં આવી રહ્યા છે.
સરકારી સૂત્રો જણાવે છે કે નવા GST સુધારા રોજિંદા વપરાશની કેટલીક વસ્તુઓને સસ્તી બનાવશે. આ બદલાવને લઈને વેપારીઓ, ઉદ્યોગકારો અને સામાન્ય નાગરિકોમાં ઉત્સુકતા જોવા મળે છે. એટલા માટે પ્રધાનમંત્રીનું આ સંબોધન મહત્વનું માનવામાં આવી રહ્યું છે.
પીએમ મોદીએ અગાઉ પણ અનેક વખત રાષ્ટ્રને સંબોધિત કર્યું છે અને તેમના સંબોધનો મોટા નિર્ણયો સાથે જોડાયેલા રહ્યા છે. ઉદાહરણ તરીકે તા.8 નવેમ્બર 2016 ના રોજ તેમણે નોટબંધીની જાહેરાત કરી હતી. તા.12 માર્ચ 2019ના રોજ પુલવામા હુમલા પછી બાલાકોટ એર સ્ટ્રાઇક વિશે માહિતી આપી હતી. તા.24 માર્ચ 2020ના રોજ તેમણે કોવિડ-19 ફેલાવાને રોકવા માટે રાષ્ટ્રીય લોકડાઉન જાહેર કર્યું હતું.
તાજેતરમાં તા.12 મે 2025 ના રોજ પીએમ મોદીએ “ઓપરેશન સિંદૂર” વિશે રાષ્ટ્રને માહિતગાર કર્યું હતું. જે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતની કાર્યવાહી હતી. આ સંદર્ભે આજે થનારું તેમનું સંબોધન પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
ભારત-અમેરિકા તણાવ વચ્ચે સંબોધન
પીએમ મોદીના સંબોધનનો સમય એ કારણે પણ મહત્વનો છે કે હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અને H1B વિઝા મુદ્દે તણાવ ચાલી રહ્યો છે. આ પરિસ્થિતિમાં પીએમ મોદી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની નીતિઓ વિશે પણ સંકેત આપી શકે છે.
નવા GST દરોથી રાહતની આશા
તા.22 સપ્ટેમ્બરથી લાગુ થતા નવા GST દરોથી રોજિંદા જીવનમાં ઉપયોગી ઘણી વસ્તુઓ સસ્તી થવાની ધારણા છે. સરકારના મતે આ બદલાવનો હેતુ ગ્રાહકોને સીધી રાહત આપવાનો છે. વેપારીઓ પણ માને છે કે GSTના નવા દરો બજારમાં માંગ વધારવામાં મદદરૂપ થશે.
લોકોની નજર સંબોધન પર
સાંજે 5 વાગ્યે થનારા સંબોધન પર સમગ્ર દેશની નજર છે. લોકો આશા રાખી રહ્યા છે કે પીએમ મોદી GST સુધારાઓ સાથે જોડાયેલી સ્પષ્ટ માહિતી આપશે અને નાગરિકોને રાહત આપતી યોજનાઓની જાહેરાત કરશે.