નવી દિલ્હી: 26 જુલાઈ 1999નો એ દિવસ કે જ્યારે ભારતીય સૈનિકોએ પોતાનું લોહી રેડી ભારત માતાની રક્ષાની કરી હતી. તેમજ કારગિલનું યુદ્ધ (Kargil War) જીત્યું હતું. ત્યારે એ વિર જવાનોના બલિદાનની યાદમાં આ દિવસ દર વર્ષે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે ભારતની જીતના 25માં વર્ષે એટલે કે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે કારગિલ યુદ્ધના નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
કારગિલ વિજય દિવસની 25માં વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિંકૂન ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું તેમજ અગ્નિપથ યોજનાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “સત્ય એ છે કે અગ્નિપથ યોજનાથી દેશની શક્તિમાં વધારો થશે અને દેશના સક્ષમ યુવાનો પણ માતૃભૂમિની સેવા કરવા માટે આગળ આવશે… પરંતુ મને આશ્ચર્ય થાય છે કે કેટલાક લોકોની સમજને શું થયું છે, તેમની વિચારસરણીને શું થયું છે? તેઓ ભ્રમ ફેલાવે છે કે સરકાર પેન્શનના પૈસા બચાવવા માટે આ યોજના લાવી છે.
આવા લોકોની વિચારસરણીથી મને શરમ આવે છે પણ હું આવા લોકોને પૂછવા માંગુ છું કે મોદી સરકારના શાસનમાં આજે જે પણ ભરતી થાય છે તેને આજે જ પેન્શન આપવું પડશે? તેમને પેન્શન આપવાનો સમય 30 વર્ષમાં આવશે અને ત્યાં સુધીમાં મોદીને 105 વર્ષના થઈ ચૂક્યા હશે. તમે કઈ દલીલો આપો છો? મારા માટે ‘પાર્ટી’ નહીં પણ ‘દેશ’ સર્વોપરી છે. અમે રાજનીતિ માટે નહીં પરંતુ રાષ્ટ્રીય નીતિ માટે કામ કરીએ છીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે આપણી સેનાએ પાછલા વર્ષોમાં ઘણા સાહસિક નિર્ણયો લીધા છે. અગ્નિપથ યોજના પણ તેનું ઉત્તમ ઉદાહરણ છે. અગ્નિપથનો ઉદ્દેશ્ય સેનાને સતત યુવાન અને સક્ષમ બનાવવાનો છે. લોકોએ સેનાને રાજકારણનો અખાડો બનાવી દીધો. અગાઉ સુરક્ષા દળો કૌભાંડો દ્વારા નબળા પડી ગયા હતા.
અગ્નિપથનું લક્ષ્ય સેનાઓને યુદ્ધ માટે યોગ્ય રાખવાનું છે. વિપક્ષો એવો ભ્રમ ફેલાવી રહ્યા છે કે સરકાર આ યોજના દ્વારા પેન્શનના પૈસા બચાવી રહી છે. આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે સરકાર પેન્શનના પૈસા બચાવવા માટે આ સ્કીમ લઈને આવી છે. પરંતુ આજે ભરતી થયેલા સૈનિકને ત્રીસ વર્ષ પછી પેન્શન મળશે. ત્યારે મોદી 105 વર્ષના થશે. શું ત્યારે પણ મોદી સરકાર હશે?
પીએમ મોદીએ કહ્યું કે જેઓ દેશના યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમનો ઈતિહાસ એ વાતનો સાક્ષી છે કે તેમને સૈનિકોની કોઇ કાળજી નથી. આ એ જ લોકો છે જેમણે રૂ. 500 કરોડની નજીવી રકમ બતાવીને OROP પર ખોટું બોલ્યા હતા. આ અમારી જ સરકાર છે કે જેણે ભૂતપૂર્વ સૈનિકોને રૂ. 1.25 લાખ કરોડથી વધુની રકમ આપી હતી.
પીએમ મોદીએ કહ્યું કે દુર્ભાગ્યવશ કેટલાક લોકોએ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા આવા સંવેદનશીલ વિષયને રાજકારણનો વિષય બનાવી દીધો છે. કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે સેનાના આ સુધારા પર જુઠ્ઠાણાની રાજનીતિ પણ કરી રહ્યા છે. આ એ જ લોકો છે જેમણે હજારો કરોડના કૌભાંડો ચલાવીને આપણા દળોને નબળા પાડ્યા હતા. આ એ જ લોકો છે જે ઈચ્છતા હતા કે વાયુસેનાને ક્યારેય આધુનિક ફાઈટર જેટ ન મળે. આ એ જ લોકો છે જેમણે તેજસ ફાઈટર પ્લેનને બોક્સમાં બંધ કરવાની તૈયારી કરી હતી.