મુંબઇ: આજે પ્રધાનમંત્રી મોદી (Prime Minister Modi) મહારાષ્ટ્રના પ્રવાસે છે. દરમિયાન તેઓ ખેડૂતોને (Farmers) મોટી રાહત આપશે. આજે PM કિસાન સન્માન નિધિનો (PM Kisan Samman Nidhi) 16મો હપ્તો આજે ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના યવતમાલમાં આયોજિત એક કાર્યક્રમમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા લાભાર્થીઓના બેંક ખાતામાં હપ્તાના નાણાં ટ્રાન્સફર કરશે.
અગાઉ 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. આજે વડાપ્રધાન દેશભરના પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં અંદાજે 21 હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે. જે ખેડૂતો માટે ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે.
ખેડૂતોએ લાભ મેળવવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી પડશે
પીએમ કિસાન યોજના હેઠળ એવા ખેડૂતોના હપ્તા અટકી શકે છે જેમના બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક નથી. આ યોજના હેઠળ આધારકાર્ડને બેંક એકાઉન્ટ લીંક કરવું જરૂરી છે, નહીં તો ખેડૂતો હપ્તાના લાભથી વંચિત રહી શકે છે. આ યોજનામાં જોડાયા બાદ ખેડૂતોએ જમીનની ચકાસણી કરાવવી ફરજિયાત છે. જો જમીનની ચકાસણી ન કરાવી હોય, તો ખેડૂતો હપ્તાના લાભથી વંચિત રહી શકે છે. નિયમો હેઠળ આ યોજના સાથે જોડાયેલા દરેક ખેડૂતે આ કાર્ય કરવા જરૂરી છે.
જણાવી દઇયે કે જો તમે પીએમ કિસાન યોજનામાં જોડાઓ છો, તો તમારે અરજી ફોર્મ ભરવાનું રહેશે. આવી સ્થિતિમાં જો તેમાં કોઈ ભૂલ હોય અથવા તો નામ ખોટું દાખલ થયું હોય, આધાર નંબર ખોટો દાખલ થયો હોય અથવા બેંક ખાતાની માહિતી ખોટી દાખલ થઈ હોય વગેરે જેવી ભૂલો થઇ હોય તો આવી સ્થિતિમાં પણ તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો.
દેશભરના લાભાર્થી ખેડૂતો આ દિવસની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જો કે જો કોઈ કારણોસર તમને તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર હપ્તાની રસીદનો સંદેશ ન મળે તો તમે તમારી નજીકની બેંકમાં જઈ શકો છો અને તમારી પાસબુકમાં એન્ટ્રી કરી શકો છો. જેનાથી જાણી શકાશે કે તમને હપ્તાના પૈસા મળ્યા છે કે નહીં.