દેશભરમાં દશેરાની ઉજવણી વચ્ચે આજે રાષ્ટ્રે પોતાના બે મહાન નેતાઓ મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતિ નિમિત્તે યાદ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અને વિજય ઘાટ ખાતે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
પ્રધાનમંત્રી મોદીએ રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સોશિયલ મીડિયા પર લખ્યું કે “ગાંધી જયંતિ એ પ્રિય બાપુના અસાધારણ જીવનને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ છે. તેમના આદર્શોએ માનવ ઇતિહાસનો માર્ગ બદલી નાખ્યો હતો. બાપુએ બતાવ્યું કે હિંમત અને સરળતા મહાન પરિવર્તનના સાધન બની શકે છે.”
તેમણે વધુમાં કહ્યું કે ગાંધીજી સેવા અને કરુણાની શક્તિએ લોકોને સશક્ત બનાવવા માટેનું મહત્વપૂર્ણ સાધન માનતા હતા. તેમના વિચારો આજે પણ નવી પેઢીને માર્ગદર્શન આપે છે.
લાલ બહાદુર શાસ્ત્રીજીને પણ પ્રધાનમંત્રી મોદીએ શ્રદ્ધાંજલિ આપી. તેમણે શાસ્ત્રીજીને એક અસાધારણ રાજનેતા તરીકે વર્ણવ્યા હતા. જેમની પ્રામાણિકતા, નમ્રતા અને દૃઢતા દ્વારા ભારત મજબૂત બન્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું કે “લાલ બહાદુર શાસ્ત્રી અનુકરણીય નેતૃત્વ અને નિર્ણાયક કાર્યવાહીના પ્રતીક હતા. તેમના ‘જય જવાન, જય કિસાન’ ના નારા દ્વારા દેશભક્તિની ભાવના જાગૃત થઈ હતી. તેઓ આત્મનિર્ભર અને મજબૂત ભારતના પ્રેરક રહ્યા છે.”
પીએમ મોદીએ ખાસ કરીને સ્વદેશી પર ભાર મૂક્યો હતો. તેમણે દેશવાસીઓને અપીલ કરી કે ભારતીયો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો ખરીદવામાં આવે કારણ કે તે જ ગાંધીજી અને શાસ્ત્રીજીને સાચી શ્રદ્ધાંજલિ હશે. તેમના મતે સ્વદેશી એ આત્મનિર્ભર અને વિકસિત ભારતનો પાયો છે.
મહાત્મા ગાંધીનો જન્મ તા.2 ઑક્ટોબર 1869ના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો. તેઓ સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલી દેશની સ્વતંત્રતા ચળવળના સર્વાધિક પ્રભાવશાળી નેતા બન્યા અને વિશ્વભરમાં અનુયાયી મેળવ્યા. બીજી તરફ લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ તા.2 ઑક્ટોબર 1904માં ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં થયો હતો.
જવાહરલાલ નેહરુના નિધન બાદ તેઓ ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેમના ટૂંકા કાર્યકાળ દરમિયાન દેશે પાકિસ્તાન સાથે યુદ્ધનો સામનો કર્યો હતો. છતાં તેમણે પોતાના સાદગીભર્યા નેતૃત્વ અને પ્રામાણિકતા દ્વારા લોકોના દિલ જીતી લીધા.
આ રીતે આજનો દિવસ માત્ર દશેરા જ નહીં પરંતુ રાષ્ટ્રને માર્ગદર્શિત કરનારા બે મહાન નેતાઓની જન્મજયંતિ તરીકે પણ યાદગાર બની રહ્યો છે.