પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની 108મી જન્મજયંતિ પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શ્રદ્ધાંજલિ આપી. તેમજ ઇન્દિરા ગાંધીની 108મી જન્મજયંતિના દિવસે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ તેમના યોગદાન અને અંતિમ બલિદાનને યાદ કર્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ રોજ તા.19 નવેમ્બર બુધવારે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને તેમની 108મી જન્મજયંતિ પર યાદ કરતાં સોશિયલ મીડિયા પર એક સંદેશ પોસ્ટ કર્યો. પીએમ મોદીએ લખ્યું કે “પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજીને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ” દેશના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતી ઇન્દિરા ગાંધી ભારતની પ્રથમ મહિલા વડા પ્રધાન હતી અને તેમને “ભારતની લોખંડી મહિલા” તરીકે ઓળખવામાં આવે છે.

ઇન્દિરા ગાંધીનો જન્મ તા.19 નવેમ્બર 1917ના રોજ અલ્હાબાદ (હાલ પ્રયાગરાજ)માં થયો હતો. તેઓ ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની એકમાત્ર સંતાન હતી અને બાળપણથી જ સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા હતા.
બે વખત દેશનું નેતૃત્વ કર્યું
ઇન્દિરા ગાંધીએ 1966થી 1977 સુધી સતત પ્રધાનમંત્રી તરીકે સેવા આપી હતી. બાદમાં 1980માં ફરીથી સત્તામાં આવી 31 ઓક્ટોબર 1984 સુધી આ પદ સંભાળ્યું હતું. તેમના આ બીજા કાર્યકાળ દરમિયાન જ તેમની હત્યા કરવામાં આવી હતી.
તેમના કાર્યકાળ દરમિયાન 1971નું ભારત-પાક યુદ્ધ અને બાંગ્લાદેશની રચના, બેંકોનું રાષ્ટ્રીયકરણ, હરિયાળી ક્રાંતિની શરૂઆત, તેમજ ભારતનું પ્રથમ પરમાણુ પરીક્ષણ જેવી અનેક ઐતિહાસિક ઘટનાઓ ઘટી હતી. દેશની સુરક્ષા અને વિકાસ માટે તેમના નિર્ણયો આજે પણ યાદ કરવામાં આવે છે.
ખડગેએ કહ્યું; “અંતિમ બલિદાનને લાખો સલામ”
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પણ ઇન્દિરા ગાંધીને તેમની જન્મજયંતિ પર ભાવભીની શ્રદ્ધાંજલિ આપી. ખડગેએ લખ્યું “ઇન્દિરા ગાંધીનું ઉત્સાહી નેતૃત્વ અને રાજકીય હિંમત હંમેશા પ્રેરણા આપશે. ભારતની એકતા અને અખંડિતતા માટે તેમનું અંતિમ બલિદાન દેશ ક્યારેય ભૂલી નહીં શકે.”
ઈન્દિરા ગાંધીની જન્મજયંતિ પર દેશભરમાં વિવિધ નેતાઓએ તેમની કામગીરી અને વારસાને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.