ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)ની સ્વદેશી 4G સેવા આજ રોજ તા. 27 સપ્ટેમ્બર શનિવારે સત્તાવાર રીતે શરૂ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઝારસુગુડાથી આ નેટવર્કનું લોન્ચિંગ કર્યું. આ અવસરે તેમણે 97,500 મોબાઇલ ટાવરનું પણ ઉદ્ઘાટન કર્યું. જેમાંથી મોટાભાગના 4G-સક્ષમ છે.
BSNLનું 4G નેટવર્ક કંપનીની 25મી વર્ષગાંઠે લોન્ચ કરવામાં આવ્યું. આ સેવા સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે અને ભવિષ્યમાં તેને 5G માટે અપગ્રેડ કરી શકાય છે. ખાનગી કંપનીઓ ઘણા સમયથી 4G અને હવે 5G સુધી પહોંચ્યા છે. પરંતુ BSNL આ રેસમાં મોડું જોડાયું છે. તેમ છતાં અધિકારીઓએ આ પગલાને “ડિજિટલ ઇન્ડિયા” માટે એક પગલું ગણાવ્યું છે.
20 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સનો ઉમેરો
BSNL અધિકારીઓના જણાવ્યા મુજબ આ 4G સેવા દેશના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ સારી કનેક્ટિવિટી લાવશે અને આશરે 20 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સ ઉમેરશે. આ નેટવર્ક ક્લાઉડ-આધારિત છે અને 26,700થી વધુ ગામોને જોડશે. જેમાંથી 2,472 ગામો માત્ર ઓડિશામાં છે.
રૂ. 37,000 કરોડનો ખર્ચ
BSNL 4G નેટવર્ક અને મોબાઇલ ટાવર્સ માટે આશરે રૂ. 37,000 કરોડનો ખર્ચ થયો છે. 97,500માંથી 92,600 ટાવર 4G સક્ષમ છે. આ નેટવર્ક ભારતીય ટેકનોલોજીથી જ વિકસાવવામાં આવ્યું છે.
ઓડિશાના વિકાસ પર ભાર
આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ ઓડિશાને ભારતની વિકાસગાથામાં અગત્યની કડી ગણાવી. તેમણે કહ્યું કે ઓડિશાએ દાયકાઓ સુધી મુશ્કેલીઓનો સામનો કર્યો છે પરંતુ આવનારા વર્ષો સમૃદ્ધિના રહેશે. કેન્દ્ર સરકારે ઓડિશા માટે બે સેમિકન્ડક્ટર યુનિટોને મંજૂરી આપી છે અને ટૂંક સમયમાં અહીં સેમિકન્ડક્ટર પાર્ક પણ ઊભું કરવામાં આવશે.
BSNLનું આ સ્વદેશી 4G નેટવર્ક પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયા વિઝન સાથે સુસંગત છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ ઍક્સેસ વધારવો, જનભાગીદારી મજબૂત કરવી અને સંદેશાવ્યવહારની સુવિધાઓ વધુ સશક્ત બનાવવી છે.