અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. દક્ષિણ કોરિયામાં આપેલા નિવેદનમાં તેમણે કહ્યું કે અમેરિકા અને ભારત ટૂંક સમયમાં એક મહત્વપૂર્ણ વેપાર સોદા પર હસ્તાક્ષર કરશે. તેમજ આ નિવેદન દરમિયાન ટ્રમ્પે PM મોદી વિશે કહ્યું કે “તેઓ સૌથી સુંદર માણસ છે, તેઓ એક જબરજસ્ત નેતા છે”
ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં એશિયા પ્રવાસ પર છે અને દક્ષિણ કોરિયામાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે ભારત સાથેના સંબંધો વિશે વાત કરી હતી. ટ્રમ્પે જણાવ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર અંગે છેલ્લા ઘણા મહિનાથી ચર્ચા ચાલી રહી છે. હવે આ કરાર પર ટૂંક સમયમાં હસ્તાક્ષર થવાની શક્યતા છે.
આ કરાર અંગેની વાટાઘાટો ઘણા મુદ્દાઓને કારણે અટકી ગઈ હતી. જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ભારત દ્વારા રશિયન તેલની ખરીદી અને ટેરિફની નીતિઓનો સમાવેશ થાય છે.
ટ્રમ્પે કહ્યું “હું ભારત સાથે એક મોટો વેપાર સોદો કરી રહ્યો છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે મને ખૂબ આદર અને પ્રેમ છે. અમારો સંબંધ ખૂબ સારો છે.”
તેમણે વધુમાં કહ્યું કે વડા પ્રધાન મોદી એક જબરદસ્ત નેતા છે. “તેઓ સૌથી સુંદર માણસ છે અને ખૂબ જ શક્તિશાળી વ્યક્તિ છે”
વેપાર કરાર માટે ચર્ચામાં અમેરિકા પોતાના ડેરી અને કૃષિ ઉત્પાદનો માટે ભારતીય બજારમાં વધુ પ્રવેશ માંગે છે. જ્યારે ભારતે હજી સુધી તેમાં મંજૂરી આપી નથી. અહેવાલો અનુસાર જો ભારત રશિયન તેલની ખરીદી ઘટાડવા સંમત થાય તો અમેરિકા ટેરિફ ઘટાડીને 16 ટકા કરવા તૈયાર છે.
ટ્રમ્પે પાકિસ્તાનના વડા પ્રધાન અને સૈનિક પ્રમુખ અસીમ મુનીર અંગે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમણે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ માટે દબાણ કર્યું હતું.
ટ્રમ્પના આ નિવેદન બાદ ફરી એક વાર સ્પષ્ટ થયું છે કે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો નવા સ્તરે પહોંચવાનો છે. અને વડા પ્રધાન મોદી પ્રત્યે ટ્રમ્પની વ્યક્તિગત પ્રશંસા હજી પણ જોવા મળે છે.