Gujarat

પીએમ મોદીના હસ્તે વિશ્વસ્તરીય જૈન સંગ્રહાલયનું ઉદ્ઘાટન, અહિંસા-જ્ઞાનના સંદેશને વૈશ્વિક આમંત્રણ

ગાંધીનગર નજીક કોબા તીર્થ ખાતે મહાવીર જયંતિના પાવન અવસર પર વિશ્વસ્તરીય ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’ (જૈન હેરિટેજ મ્યુઝિયમ)નું ભવ્ય લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પીએમ મોદીએ જણાવ્યું હતું કે આ સંગ્રહાલય માત્ર એક ઇમારત નથી, પરંતુ ભારતના ગૌરવશાળી વારસા, સંસ્કૃતિ અને જ્ઞાનની જીવંત ત્રિવેણી છે, જે આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. કોબા તીર્થની આધ્યાત્મિક મહત્તાને ઉજાગર કરતાં વડાપ્રધાને કહ્યું કે અહીં મૂલ્યોનું જતન, સંસ્કારોનું સંવર્ધન અને જ્ઞાનનું પોષણ એકસાથે થાય છે. વર્ષોથી ચાલતી સાધના અને તપસ્યાને હવે આધુનિક સ્વરૂપ મળ્યું છે, જે નવી પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડશે. તેમણે આ સંગ્રહાલયના નિર્માણમાં યોગદાન આપનાર આચાર્ય ભગવંતો અને હજારો સેવકોના પ્રયત્નોને પણ બિરદાવ્યા હતા. પીએમ મોદીએ સમ્રાટ અશોકના પૌત્ર અને જૈન ધર્મના પ્રખ્યાત પ્રચારક સમ્રાટ સંપ્રતિના જીવન પર પ્રકાશ પાડતા જણાવ્યું કે તેઓ એવા શાસક હતા જેમણે સત્તાને સેવા અને સાધનાના રૂપમાં અપનાવી હતી. તેમના દ્વારા પ્રસારિત અહિંસા, સત્ય અને અપરિગ્રહના સિદ્ધાંતો આજે પણ માનવજાત માટે માર્ગદર્શક છે.

સંગ્રહાલયની રચનામાં સાત ભવ્ય ગેલેરીઓ બનાવવામાં આવી છે, જેમાં જૈન તત્વજ્ઞાન, તીર્થંકરોના ઉપદેશો અને ભારતની સંસ્કૃતિને આધુનિક ટેકનોલોજી દ્વારા જીવંત રીતે રજૂ કરવામાં આવી છે. નવપદ દર્શનથી લઈને તીર્થંકર ગાથા સુધીની વિવિધ ગેલેરીઓમાં આધ્યાત્મિકતા અને જ્ઞાનનો અનોખો સમન્વય જોવા મળે છે. સાથે સાથે, વૈદિક અને બૌદ્ધ પરંપરાઓનો સમાવેશ કરીને ‘વિવિધતામાં એકતા’નો સંદેશ પણ આપવામાં આવ્યો છે. પીએમ મોદીએ ‘જ્ઞાન ભારતમ મિશન’નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે કોબામાં 3 લાખથી વધુ પ્રાચીન હસ્તપ્રતોનું સંરક્ષણ કરવામાં આવ્યું છે. નાલંદા અને તક્ષશિલા જેવી પ્રાચીન શિક્ષણ પરંપરાઓને નષ્ટ કરવાનો ઇતિહાસ યાદ કરાવતા તેમણે કહ્યું કે હવે આ અમૂલ્ય જ્ઞાનને ડિજિટાઈઝ કરીને ભવિષ્ય માટે સુરક્ષિત કરવામાં આવી રહ્યું છે. અંતે વડાપ્રધાને જણાવ્યું કે આ દિવસ તેમના માટે ખાસ છે, કારણ કે કોબામાં વારસા સાથે જોડાયા પછી તેઓ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ દ્વારા ભારતને વૈશ્વિક વિકાસ સાથે જોડશે. તેમણે ગુજરાતના લોકોને આ મ્યુઝિયમની મુલાકાત લેવા અપીલ કરી હતી અને વારસાના સંરક્ષણમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.

Most Popular

To Top