પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ રોજ તા.20 સપ્ટેમ્બર શનિવારે મુંબઈના ઈન્દિરા ડોક ખાતે મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલ (MICT)નું ઉદ્ઘાટન કર્યું. આ વિશ્વ કક્ષાનું નવું ટર્મિનલ દરિયાઈ પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે વિકસાવવામાં આવ્યું છે. પ્રોજેક્ટ પર કુલ રૂ.556 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.
ભારતનું સૌથી મોટું ક્રૂઝ ટર્મિનલ
MICT ભારતનું સૌથી મોટું અને આધુનિક ક્રૂઝ ટર્મિનલ છે. તેનો ગ્રાઉન્ડ અને પ્રથમ માળ 2,07,000 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. અહીં 72 ચેક-ઇન અને ઇમિગ્રેશન કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. આ ટર્મિનલ દર વર્ષે આશરે 10 લાખ મુસાફરોને સંભાળી શકે છે. તેની ક્ષમતા એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે એક સાથે પાંચ જહાજો (લંબાઈ 300 મીટર સુધીના અને 11 મીટર ડ્રાફ્ટ ધરાવતા) રોકાઈ શકે છે. ટર્મિનલ સાથે પાર્કિંગ લોટ પણ છે. જેમાં એક સમયે 300થી વધુ વાહનો પાર્ક થઈ શકે છે.
આધુનિક ડિઝાઇન અને સુવિધાઓ
MICT ની ડિઝાઇન ખાસ લહેરાતી છત સાથે કરવામાં આવી છે. જે દરિયાઈ ઓળખને પ્રતિબિંબિત કરે છે. અંદરના ભાગોમાં આકર્ષક ડેકોર, વિશાળ છત, વક્ર બેઠક વ્યવસ્થા, સેલ્ફી પોઈન્ટ અને દરિયાઈ રૂપરેખાઓનો સમાવેશ થાય છે. તેનો ભવ્ય પ્રવેશદ્વાર મુંબઈના વારસાથી પ્રેરિત છે. જ્યારે આધુનિક સ્થાપત્ય તેને વૈશ્વિક સ્તરનું બનાવે છે.
મુંબઈને વૈશ્વિક પેસેન્જર હબ બનાવવાનો પ્રયત્ન
શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે અગાઉ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ મુંબઈને એક મુખ્ય પેસેન્જર હબ તરીકે ઉભું કરશે. ભારતના ક્રૂઝ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે આગળ ધપાવવા MICTને એક માઈલસ્ટોન માનવામાં આવી રહ્યું છે.
અન્ય પ્રોજેક્ટ્સનો શુભારંભ
મુંબઈના ઉદ્ઘાટન બાદ પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં ભાગ લેશે. ભાવનગરમાં રૂ.34,200 કરોડથી વધુના અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું શુભારંભ કરશે. તેમાં ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનનું હવાઈ સર્વેક્ષણ અને લોથલમાં નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની મુલાકાતનો સમાવેશ થાય છે.
દરિયાઈ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે પીએમ મોદી 7,870 કરોડથી વધુના અનેક દરિયાઈ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેમાં કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર નવા કન્ટેનર ટર્મિનલ તથા પારાદીપ બંદર પર આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે.
સર્વાંગી વિકાસ પર ભાર
સત્તાવાર નિવેદન મુજબ પીએમ મોદી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રૂ. 26,354 કરોડથી વધુના કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. આ તમામ યોજનાઓ ભારતના દરિયાઈ ક્ષેત્રને મજબૂત બનાવી દેશને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.