મિડલ ઇસ્ટમાં વધતા યુદ્ધના તણાવની અસર હવે ભારત સુધી પહોંચવા લાગી છે. ઈઝરાયલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલાઓ બાદ ઈરાન અને ખાડી વિસ્તારમાં સર્જાયેલી પરિસ્થિતિને કારણે તેલ અને ગેસ સપ્લાય પર અસર પડી રહી છે. ખાસ કરીને Strait of Hormuz વિસ્તારમાં અવરોધ સર્જાતા ભારતમાં LPG ગેસના પુરવઠા અંગે ચિંતા વધી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન Narendra Modiએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. અહેવાલો અનુસાર વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિદેશ મંત્રી S. Jaishankar અને પેટ્રોલિયમ મંત્રી Hardeep Singh Puri હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટમાં સપ્લાય ચેઈન ખોરવાતા તેની અસર ઘટાડવા માટે વૈકલ્પિક માર્ગો અને વ્યવસ્થાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સરકારનું મુખ્ય ધ્યાન દેશના ઘરેલુ ગ્રાહકોને રસોઈ ગેસનો પુરવઠો સતત મળતો રહે તેની ખાતરી કરવા પર છે.
હાલની સ્થિતિમાં ઘરેલુ ગ્રાહકોને ગેસની અછત ન થાય તે માટે ઔદ્યોગિક એકમોને LPG પુરવઠામાં ઘટાડો કરવામાં આવ્યો છે. સાથે જ કોમર્શિયલ સિલિન્ડરોની સપ્લાય પણ મર્યાદિત કરવામાં આવી છે. આ નિર્ણયનો સૌથી વધુ અસર હોટેલ અને રેસ્ટોરાં ઉદ્યોગ પર પડી રહ્યો છે. અનેક હોટેલ અને રેસ્ટોરાં બંધ કરવાની નોબત આવી છે, તો કેટલાક રેસ્ટોરાંમાં મેનૂ લિમિટેડ કરવામાં આવ્યા હોવાના વાવડ મળ્યા છે. આની માર આમ જનતા પર પણ પડી છે, એક તો 60 રૂપિયોનો વધારો અને પાછું એમાં પણ સિલિન્ડરની અછત દેખાડી કરવામાં આવી રહેલી કાળાબજારીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ઉદ્યોગકારોનું કહેવું છે કે તેમના વ્યાપાર માટે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ખૂબ મહત્વપૂર્ણ છે અને પુરવઠો ઓછો થવાથી કામગીરી પર ગંભીર અસર પડી શકે છે.
જાણકારો મુજબ ભારતનો મોટો હિસ્સો તેલ અને ગેસ પુરવઠા માટે હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભર છે. જો ત્યાંની પરિસ્થિતિ લાંબા સમય સુધી તંગ રહે તો સપ્લાય પર વધુ અસર પડી શકે છે. તેથી આગામી થોડા દિવસો ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દાયકામાં દેશમાં રસોઈ માટે LPGનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે અને મોટાભાગના ઘરો હવે ગેસ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં ગેસની અછત સર્જાય તો સામાન્ય જનતા પર તેની સીધી અસર પડી શકે છે. આ કારણે કેન્દ્ર સરકાર વિકલ્પિક પુરવઠા વ્યવસ્થાઓ પર ઝડપથી કામ કરી રહી છે, જેથી દેશભરમાં LPG ઉપલબ્ધતા જાળવી શકાય.