Gujarat

પીએમ મોદી છેવાડાના ગામોને ‘પહેલા ગામ’ ગણીને વિકાસની મુખ્યધારામાં લાવ્યા છે – ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર,તા.31

પીએમ નરેન્દ્ર મોદીએ આજે બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ-થરાદ અને ડીસા ખાતેથી સમગ્ર ગુજરાત માટે ₹૧૯,૮૦૦ કરોડથી વધુના ઐતિહાસિક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનનું ભાવભીનું સ્વાગત કરી ગુજરાતની અવિરત વિકાસયાત્રાનો ચિતાર રજૂ કર્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેવાડાના ગામોને ‘પહેલા ગામ’ ગણીને વિકાસની મુખ્યધારામાં લાવ્યા છે. અગાઉ આખા રાજ્યનું બજેટ ૩૮ હજાર કરોડ હતું, તેની સામે આજે માત્ર એક જ દિવસમાં ૧૯ હજાર કરોડના કામો જનતાને સમર્પિત થયા છે, જે પીએમ મોદીના શ્રેષ્ઠ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટનો પુરાવો છે.”.તેમણે જણાવ્યું કે વૈશ્વિક સ્તરે યુદ્ધ અને ઊર્જા સંકટ વચ્ચે પણ ભારત પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ સ્થિર અને મજબૂત છે. સામાન્ય જનતાને રાહત આપવા માટે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય ઐતિહાસિક સાબિત થયો છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ‘ગતિ એક અને મતિ એક’ના મંત્ર સાથે ગુજરાત ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સંકલ્પને પૂર્ણ કરવા અગ્રેસર રહેશે અને વિકાસકામોની આ ગતિ રાજ્યને નવી ઊંચાઈઓએ પહોંચાડશે.

વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તેમના સંબોધનમાં કહયું હતું કે પીએમ મોદીએ રોપેલા કન્યા કેળવણીના બીજને કારણે આજે બનાસકાંઠા ધોરણ-૧૦ના પરિણામમાં રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે.
નવી એર કાર્ગો સુવિધાથી બનાસકાંઠાના બટાકા, દૂધ અને શાકભાજી હવે સીધા વૈશ્વિક બજારોમાં પહોંચશે. ગોબરમાંથી ગેસ ઉત્પન્ન કરતા વધુ ૩ બાયો-સીએનજી પ્લાન્ટ્સ પશુપાલકોની આવક બમણી કરશે.
ડે સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના પ્રયાસોથી બનાસકાંઠામાં ‘રિવર્સ માઈગ્રેશન’ શરૂ થયું છે; એટલે કે શહેરોમાંથી લોકો પરત ગામડાં તરફ વળી રહ્યા છે. આખા એશિયામાં આ એક અનોખું ઉદાહરણ છે.

૩૯,૦૦૦ પરિવારોની ‘દિવાળી’

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગુજરાતના ૩૪ જિલ્લાઓમાં ૩૮,૯૪૯ પરિવારોનો આજે નૂતન આવાસમાં મંગલ ગૃહપ્રવેશ કરાવવામાં આવ્યો હતો. વડાપ્રધાને રિમોટ કંટ્રોલ દ્વારા આ ઘરોની ચાવીઓ અર્પણ કરી છેવાડાના માનવીનું પાકા ઘરનું સપનું સાકાર કર્યું હતું.

Most Popular

To Top