ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કર્યક્રમની જાહેરત બાદ આજે સૌ પ્રથમ વલસાડાના કપરાડામાં જનસભાને સંબોધન કર્યા બાદ તેઓ સીધા ભાવનગરમાં (Bhavnagar) જવાહર ગ્રાઉન્ડ (Jawahar Ground) ખાતે પહોચ્યા હતાં. અહીં પીએમ મોદીએ મારૂતિ ઇમ્પેક્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત પિતાની છત્રછાયા ગુમાવનાર સર્વજ્ઞાતિય 551 દિકરીઓના(Daughter) ભવ્ય સમૂહ લગ્નોત્સવ (Mass marriage ceremony) કાર્યક્રમમાં હાજરી આપીને આ દિકરીઓને આશીર્વાદ આપ્યા હતા.પીએમ મોદીએ 551 દિકરીઓને આશિર્વાદ આપતા સંબોધનમાં જણાવ્યું હતું કે, આ પવિત્ર પ્રસંગે મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે. ખુદ લખાણી પરિવારના કોઇ દિકરા-દિકરીના લગ્ન આટલા ભવ્ય નહીં થયા હોય, તેટલો ભવ્ય આ સમૂહલગ્ન સમારંભ યોજાયો છે. સમાજ માટેની ભક્તિ અને ભક્તિનો ભાવ ન હોય તો આટલો ભવ્ય કાર્યક્રમ શક્ય નથી. આજનો આ ભવ્ય પ્રસંગ ગુજરાતના બાકી લોકો માટે પ્રેરણા સમાન રહેશે.
હવે સમુહ લગ્નને લોકો સ્વિકારતા થયા છે
પહેલા લોકો જ્ઞાતિમાં રૂઆબ દેખાડવા દેવુ કરીને પણ ભવ્ય લગ્ન કરતા પરંતુ હવે સમુહ લગ્નને લોકો સ્વિકારતા થયા છે. હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે સમુહ લગ્નમાં ઉપસ્થિત રહેતો ત્યારે સલાહ આપતો અને આજે પણ આપુ છું કે સમુહ લગ્ન થયા પછી ઘરે જઇ બીજો કોઇ પ્રસંગ ન કરતા. બચાવેલા રૂપિયા તમને અને તમારા સંતાનોને કામ લાગશે.
વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, લખાણી પરિવારે એવી દિકરીઓની ચિંતા કરી જેમને પિતા ગુમાવ્યા છે અને આવી દિકરીઓના લગ્ન કરાવી આ દિકરીઓ સાથે લખાણી પરિવાર કામય માટે જોડાઇ ગયું છે. આપણા ગુજરાતની વિશિષ્ટતા રહી છે કે સમાજ માટે કંઇને કઇ કરવું. બધી દિકરીઓ જેમના લગ્ન થયા હોય તેઓ સંકલ્પ કરે કે તમારા પરિવારમાં કોઇ અશિક્ષિત ન રહે અને ખાસ કરીને કોઇ દિકરી.
તેમને કુપોષિત બાળકોને દત્તક લેવાનો આગ્રહ કર્યો
મોદી તેમના પ્રવચનમાં સી.આર.પાટીલના એક સામાજિક કામની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, સી.આર.પાટીલે ગુજરાતમાં એક બીડુ ઉઠાવ્યું છે કે ગુજરાતમાં કોઇ બાળક કુપોષીત ન રહે. તેમને કુપોષિત બાળકોને દત્તક લેવાનો આગ્રહ કર્યો છે. મને આનંદ છે કે રાજકીય પક્ષના કાર્યકરો કુપોષણ સામે લડાઇ ચલાવી અને લોકો કુપોષણ બાળકોને દત્તક લેવા આગળ આવ્યા અને યોજના પુર્વક બાળકોને સુપોષિત કરવાનું કામ ચાલી રહ્યુ છે. પીએમ મોદીએ વધુમાં મનસુખ માંડવીયાની કામગીરીની પણ પ્રશંસા કરી હતી.