પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G20 સમિટમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા. જ્યાં તેમનું પરંપરાગત અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આફ્રિકામાં યોજાતી આ પહેલી G20 સમિટ છે. જેને વૈશ્વિક સ્તરે ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તા. 21 નવેમ્બર શુક્રવારે G20 લીડર્સ સમિટમાં હાજરી આપવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા. ગૌટેંગ પ્રદેશમાં આવેલ વોટરક્લૂફ એરફોર્સ બેઝ (AFB) પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત થયું. જેમાં કલાકારોએ ભારતીય અને આફ્રિકન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતા સંગીત અને નૃત્ય રજૂ કર્યા.
આ સમિટ ખાસ છે કારણ કે આફ્રિકાના ખંડમાં પહેલીવાર G20 શિખર સંમેલન યોજાઈ રહ્યું છે.
પીએમ મોદી સમિટ દરમિયાન વિવિધ વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય મીટિંગ્સ કરશે એવી અપેક્ષા છે. વિશ્વની આર્થિક અને રાજનૈતિક પરિસ્થિતિઓ વચ્ચે આ ચર્ચાઓ અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. પોતાના સંબોધનમાં પીએમ મોદી “વસુધૈવ કુટુંબકમ” અને “એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય” જેવા ભારતના વૈશ્વિક વિઝન પર ભાર મુકશે.
આ મુલાકાત દરમિયાન પીએમ મોદી IBSA (ભારત–બ્રાઝિલ–દક્ષિણ આફ્રિકા)ની છઠ્ઠી સમિટમાં પણ ભાગ લોશે. આ જૂથ દક્ષિણ ગોળાર્ધના દેશો વચ્ચે સહયોગ વધારવા માટે કાર્યરત છે.
સમિટ પહેલાં પીએમ મોદીએ X (પૂર્વે Twitter) પર લખ્યું હતું કે “હું દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં G20 સમિટમાં હાજરી આપીશ. આ એક ખૂબ જ ખાસ સમિટ છે કારણ કે તે આફ્રિકામાં થઈ રહી છે. ત્યાં ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થશે. હું સમિટ દરમિયાન ઘણા વિશ્વ નેતાઓને મળીશ.”
મોદીએ વિશ્વ નેતાઓ સાથેની ચર્ચાઓ, આર્થિક વિકાસ, વૈશ્વિક શાંતિ અને સહકારને મજબૂત બનાવવાના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની વાત પણ કરી હતી. G20 સમિટમાં ભારતની ભૂમિકા અને દિશા નક્કી કરનાર આ બેઠકને વૈશ્વિક સ્તરે ખાસ ધ્યાનથી જોવામાં આવી રહી છે.