દિવાળીના શુભ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય નૌકાદળના બહાદુર સૈનિકો સાથે ઉજવણી કરી. પીએમ મોદીએ ગોવા અને કારવારના દરિયાકાંઠે INS વિક્રાંતની મુલાકાત લઈને જવાનોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી.
આજે આખો દેશ આનંદ અને ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યો છે. આ તહેવાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ એક અનોખી રીતે ઉજવણી કરી છે. તેમણે ભારતીય નૌકાદળના જવાનો સાથે સમય વિતાવ્યો અને તેમને રાષ્ટ્ર માટેના તેમના સમર્પણ માટે અભિનંદન આપ્યા.
પીએમ મોદીએ આજ રોજ તા. 20 ઓક્ટોબર સોમવારે ગોવા અને કારવારના દરિયા કિનારે આવેલ ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતની મુલાકાત લીધી. અહીં તેમણે જવાનોને સંબોધન કરતાં કહ્યું કે “આજનો દિવસ એક અદ્ભુત દિવસ છે. આ દ્રશ્ય યાદગાર છે. એક બાજુ સમુદ્રની શક્તિ છે અને બીજી બાજુ ભારત માતાના બહાદુર સૈનિકોની તાકાત.”
મોદીએ જણાવ્યું કે દરેક દિવાળી તેઓ દેશના રક્ષક સૈનિકો સાથે જ ઉજવે છે. કારણ કે આ જવાનો જ છે જેઓ આપણા જીવનને સુરક્ષિત અને શાંતિપૂર્ણ સુનિશ્ચિત કરે છે. તેમણે વધુમાં કહ્યું કે સેનાના પરિશ્રમ અને બલિદાનને કારણે જ આજે ભારત દુનિયામાં મજબૂત અને આત્મનિર્ભર રાષ્ટ્ર તરીકે ઉભર્યું છે.
INS વિક્રાંત ભારતનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર છે. જે ભારતીય નૌકાદળની તાકાત અને ટેક્નોલોજીકલ પ્રગતિનું પ્રતિક છે. અહીં જવાનો સાથે દિવાળી ઉજવતાં પીએમ મોદીએ દેશના યુવાનોને સંદેશ આપ્યો કે “જ્યારે આપણે દેશ માટે સમર્પિત થઈએ છીએ ત્યારે દરેક દિવસ દિવાળીની જેમ પ્રકાશિત બની જાય છે.”
મોદીના આ પ્રવાસ દરમિયાન INS વિક્રાંત પર ઉજવણીનો વિશેષ માહોલ હતો. જવાનો સાથે પીએમ મોદીએ દીવા પ્રગટાવી દેશ માટેની પ્રાર્થના પણ કરી. તેમણે તમામ નૌકાદળના અધિકારીઓ અને તેમના પરિવારોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.