અમદાવાદ: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી તથા દેશના મહાનુભાવોની હત્યા તેમજ બોમ્બ બ્લાસ્ટ (Bomb Blast) કરી ઉડાવી દેવાની ઈ-મેઈલ (E-Mail) પર ધમકી આપનાર યુવકની ગુજરાત એટીએસએ (Gujarat ATS) ઉત્તર પ્રદેશના બદાયુથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત એટીએસની ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મહાનુભાવોને જાનથી મારી નાખવાની ધમકી આપનાર તેમજ દિલ્હીમાં કેન્દ્રીય સચિવાલયની ઇમારતમાં બ્લાસ્ટ ષડયંત્રની ઇમેલ દ્વારા ધમકી આપવા બદલ અમન સુભાષ સકસેના રહે, આદર્શ નગર, બદાયુ, ઉત્તર પ્રદેશની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાત એટીએસના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ધમકી આપવામાં ગુજરાત યુવતીનું નામ પણ ખુલ્યું છે. એટીએસ ની ટીમે ઇમેલ ઉપર ધમકી આપનારનું લોકેશન ટ્રેસ કરતા ઉત્તર પ્રદેશનું લોકેશન મળી આવ્યું હતું. એટીએસની ટીમ ઉત્તર પ્રદેશના બદાયુ ખાતેથી આરોપી અમન સુભાષ કુમાર સકસેનાની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ધરપકડ કરાયેલો યુવક અમન યુવતીના પ્રેમમાં હતો અને યુવતી સાથે બ્રેકઅપ થયા બાદ યુવતીને બદનામ કરવા માટે આ ઈમેલ કર્યો હોવાની કબુલાત કરી હતી.