ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ આજે સવારે ગાંધીનગર (Gandhinagar) નજીક અડાલજ ત્રિમંદિર ખાતે દેશના સૌથી મોટા શાળાકીય શિક્ષણ અભિયાન – ૧૦,૦૦૦ કરોડના મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ ભારતના અમૃતકાળની અમૃત પેઢીના નિર્માણ તરફ ગુજરાતનું વિરાટ કદમ છે. વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણ માટે આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ માઇલસ્ટોન પુરવાર થશે. વડાપ્રધાન મોદીએ અમદાવાદના અડાલજ ખાતેથી આ મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.
વડાપ્રધાન મોદીએ 5જી ટેકનોલોજીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તાજેતરમાં જ દેશ મોબાઇલ અને ઇન્ટરનેટની 5જી ટેકનોલોજીના યુગમાં પ્રવેશ્યો છે. ભારત દેશ ઇન્ટરનેટની 1 જીથી લઇને 4જી સુધીની સેવાઓનો ઉપયોગકર્તા રહ્યો છે. પરંતુ હવે દેશમાં લાગુ કરાઇ રહેલી 5જી ટેકલોનોજી મોટો બદલાવ લાવશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના માધ્યમથી 20 હજારથી વધુ સ્કૂલો શિક્ષાના 5જી દોરમાં પ્રવેશ કરી રહી છે. તે અંતર્ગત 50 હજાર નવા ક્લાસ રૂમ, એક લાખથી વધુ સ્માર્ટ ક્લાસરૂમને આધુનિક ઢબે વિકસિત કરવામાં આવશે. જે રાજ્ય શિક્ષણ વ્યવસ્થાની આધુનિક માળખાગત સુવિધાઓની સાથે બાળકોના જીવનમાં પણ વ્યાપક બદલાવ લાવવાની દિશામાં કામ કરશે. 5જી ટેકનોલોજીના માધ્યમથી વર્ચ્યુઅલ શિક્ષણ વ્યવસ્થાના પરિણામે રાજ્યાના દૂરસૂદૂરના વિસ્તારોમાં શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા શિક્ષણ ઉપલબ્ધ બનશે. રાજ્યના છેવાડાનાં બાળકો સુધી પણ શિક્ષણનું શ્રેષ્ઠ કન્ટેન્ટ રીયલ ટાઇમમાં પહોંચાડવું શક્ય બન્યું છે, તેમ જણાવીને રાજ્યમાં આંગણવાડીથી લઇ કેરિયર ગાઇડન્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીની જરૂરિયાતો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના માધ્યમથી પૂરી થશે તેવો ભાવ વડાપ્રધાને વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે ટેકનોલોજીની દરેક જનરેશનના બદલાવ સાથે આપણે જીવનશૈલીને જોડી છે. અલગ અલગ જનરેશન સાથેના દેશની સ્કૂલોના પણ પરિવર્તનોના આપણે સાક્ષી રહ્યાં છીએ. આજે 5જી સ્માર્ટ સુવિધા, સ્માર્ટ ટીચિંગ, ક્લાસરૂમથી આગળ વધીને શિક્ષા વ્યવસ્થાને અલગ સ્તરે લઇ જશે તેમ જણાવીને વર્ચુયઅલ રીયાલિટી, ઇન્ટરનેટ ઓફ થીંગની તાકાત વિદ્યાર્થીઓને સ્કૂલમાં જ સરળ અને શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થાનો અનુભવ કરાવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાન મોદીએ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ અને ગુણોત્સવના સંસ્મરણોને વાગોળતા કહ્યું હતું કે, બે દશકમાં ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રમાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યા છે. 20 વર્ષમાં ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓનો નામાંકન રેશિયો આજે ખૂબ જ ઊંચો ગયો છે, જ્યારે ડ્રોપઆઉટ રેશિયો નહીંવત થયો છે. બે દાયકાઓ પહેલા આદિવાસી ક્ષેત્રોમાં પણ જૂજ શિક્ષણના કેન્દ્રો હતા. જેમાં સાયન્સની સુવિધાનો પણ અભાવ હતો, પરંતુ આજે રાજ્ય શિક્ષણ વ્યવસ્થામાં આવેલ ઉત્તરોઉત્તર બદલાવ અને નવીનીકરણના પરિણામે દીકરાઓ સાથે રાજ્યની દીકરીઓ પણ સ્કૂલ અને કૉલેજ સુધીનું ઉચ્ચ શિક્ષણ મેળવીને પગભર બની રહી છે.
દેશભરમાં રૂ. 27 હજાર કરોડના ખર્ચે 14,500થી વધુ સ્કૂલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવીને દેશના ખૂણે ખૂણે ટેકનોલોજીસભર સ્કૂલોમાં નવી એજ્યુકેશન પોલીસીના અનુરૂપ શિક્ષણ માટે મોડલ સ્કૂલ બનાવવાની દિશામાં કેન્દ્ર સરકાર કાર્યશીલ હોવાનું વડાપ્રધાને ઉમેર્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવમાં ભારતે ગુલામીની માનસિકતાને દૂર કરવાનો સંકલ્પ કર્યો છે તેનો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિમાં મેડિકલ, ટેકનિકલ અને ઉચ્ચ શિક્ષણને માતૃભાષામાં ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના પરિણામે દેશના આંતરિયાળ વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓની પ્રતિભાને પણ માધ્યમ મળશે અને દેશના ખૂણે ખૂણેથી તબીબો, અને એન્જિનિયર દેશ સેવામાં કાર્યરત બનશે.
વડાપ્રધાને શિક્ષણનો ઐતિહાસિક સંદર્ભ આપતા જણાવ્યું હતું કે, પુરાતન કાળથી જ શિક્ષણ ભારતના વિકાસની ધુરા રહ્યું છે. આપણા પૂર્વજોએ જ્ઞાન- વિજ્ઞાનમાં અલગ ઓળખ ઊભી કરી હતી. દુનિયાની શ્રેષ્ઠત્તમ યુનિવર્ટીઓ ભારતમાં ઉપલબ્ધ હતી. આજે પણ ઇનોવેશન અને જ્ઞાન વિજ્ઞાનમાં દેશની સમગ્ર વિશ્વમાં અલગ ઓળખાણ છે. આઝાદીના અમૃતકાળમાં પ્રાચીન પ્રતિષ્ઠાને પુન: સ્થાપિત કરવાનો આ સુવર્ણ અવસર હોવાનું તેમણે ઉમેર્યું હતું.
મોદીએ ગુજરાતે તાજેતરમાં શરૂ કરેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રશંસા કરતા જણાવ્યુ કે, વિદ્યા સમીક્ષા કેન્દ્રનું આધુનિક સ્વરૂપ દેશના અન્ય રાજ્યો માટે મોડલરૂપ સાબિત થયું છે. આજે દેશના વિવિધ રાજ્યો –પ્રદેશોમાંથી શિક્ષણમંત્રીઓ, અધિકારીઓએ આ સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઇને સમગ્ર કાર્યપદ્ધતિની સમીક્ષા અને અધ્યયન કરી રહ્યાં છે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાની પળે પળની રીયલ ટાઇમ જાણકારી મેળવવાના અભિનવ પ્રયોગ સાથે વિદ્યા સમીક્ષા કેન્દ્રની પહેલ હેઠળ રાજ્યના 1.25 કરોડ વિદ્યાર્થીઓની સમીક્ષા કરવામાં આવી રહી છે. તદ્ઉપરાંત બીગ ડેટા એનાલિસીસ, મશીન લર્નિગ, આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ તકનીક થી અધ્યયન કરીને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે સુઝાવ આપીને તેના પર અસરકારક અમલવારી કરાવવામાં આવી રહી છે.
શિક્ષણ ક્ષેત્રે નવીન અભિગમ અપનાવવા અને પ્રયોગો કરવા ગુજરાતના ડી.એન.એ.માં હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે, ટીચર્સ ઇન્સ્ટિટયુટ, ચિલ્ડ્રન યુનિવર્સિટીની સ્થાપના જેવા અનેકવિધ નવીન પ્રયોગ દ્વારા પ્રિ-સ્કૂલ એજ્યુકેશનને સમયાનુકુળ બનાવવાના ગુજરાતે પ્રયાસો હાથ ધર્યા છે. એક દશક પહેલાં ગુજરાતના 15 હજાર સ્કૂલોમાં ટેલિવિઝનના મારફતે અને 20 હજાર થી વધુ સ્કૂલોમાં કોમ્યુટર એડેડ લર્નિંગ લેબના માધ્યમથી શિક્ષણ વ્યવસ્થા અભિન્ન અંગ બની હતી તેમ જણાવતા વડાપ્રધાને કહ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે તકનીકી અભિગમને આગળ વધારતા આજે રાજ્યના 1 કરોડ થી વધુ વિદ્યાર્થીઓ અને 4 લાખ થી વધુ શિક્ષકોની હાજરી ઓનલાઇન પૂરાઇ રહી છે.