ગાંધીનગર : પીએમ (PM) ગુજરાતની (Gujarat) ત્રણ દિવસની મુલાકાતે છે ત્યારે આવતીકાલે તા.11મી ઓકટો.ના રોજ તેમના પ્રવાસના ત્રીજા દિવસે રાજકોટ (Rajkot) પાસે જામકંડોરણા ખાતે રેલીને સંબોધન કરશે, જ્યારે અમદાવાદમાં મેડિસીટી (સિવિલ હોસ્પિટલ) ખાતે 1275 કરોડના પ્રોજેકટના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.
વિધાનસભાની ચૂંટણીની જાહેરાતને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પીએમ મોદી સૌરાષ્ટ્ર – કચ્છની 54 બેઠકોને અસર થાય તે રીતે જામકંડોરણા ખાતે સવારે 11 વાગ્યે રેલીને સંબોધન કરશે. જ્યારે ત્યાથી સીધા અમદાવાદ આવશે અહીં, મેડિસીટીમાં 1275 કરોડના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. તે પછી પીએમ મોદી ઉજ્જૈન જવા રવાના થશે.
કાલથી બે દિવસ નડ્ડા-અમિત શાહ ગુજરાતમાં, 13મીએ શાહ ઉનાઈ માતાના મંદિરે આવશે
ગાંધીનગર : આગામી તા.12 આને 13મી ઓકટો.ના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા તથા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપ દ્વારા આયોજીત ગૌરવ યાત્રાને લીલી ઝંડી બતાવવા જે.પી. નડ્ડા તા.12મી ઓકટો.એ સવારે 9 વાગ્યે બહુચરાજી, બપોરે 2 વાગ્યે દ્વારકા જશે. જ્યારે અમિત શાહ તા.13મી ઓકટો.ના રોજ સવારે 11 વાગ્યે સંત સવૈયાનાથજીની ગાદી – ઝાંઝરકા, બપોરે 1 વાગ્યે ઉનાઈ માતા (દક્ષિણ ગુજરાત)ના મંદિરે આવશે. નડ્ડા તથા શાહ ગૌરવ યાત્રાને સંબોધન કરીને તેને પ્રસ્થાન કરાવશે.