Gujarat

પીએમ મોદીએ લોથલના નેશનલ મેરીટાઈમ કોમ્પલેક્સ સંકુલના નિર્માણ કામગીરીની સમીક્ષા કરી

ગાંધીનગર : સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં લોથલ (Lothal) ખાતે બનનારા નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ પ્રોજેક્ટની (Project) સમીક્ષા પીએમ (PM) નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે ડ્રોન નિરીક્ષણ દ્વારા કરી હતી. પીએમ મોદીએ પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારતનું પુરાતન બંદર એવા લોથલ ખાતે ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને પુનર્જીવિત કરવા માટે રૂ. ૩,૫૦૦ કરોડના ખર્ચે નેશનલ મેરિટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરીને ભારતની પુરાતન દરિયાઈ સંસ્કૃતિને પુનર્જીવન આપવાનું કાર્ય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ઐતિહાસિક અને વૈશ્વિક ધરોહર એવા લોથલના પુરાતન વૈભવને આ પ્રોજેક્ટ દ્વારા પુનર્જીવિત કરવામાં આવશે. વડાપ્રધાને ડ્રોનથી આ પ્રોજેક્ટની સમીક્ષા કરી છે અને આ પ્રોજેકટ જે ઝડપથી આગળ વધી રહ્યો છે તે અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.

ભારત સમુદ્રી વિરાસતની ઐતિહાસિક અને મહાન ધરોહર ધરાવે છે. ગુજરાતમાં લોથલ અને ધોળાવીરા તો દક્ષિણમાં ચૌલ, ચેર અને પાંડય રાજવંશે સમુદ્ર શક્તિને વિસ્તારીત કરીને નવી ઊંચાઈ આપી હતી તેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજે પણ તે સમયે સશક્ત નૌસેનાનું ગઠન કર્યું હતું. તેવાં ભારતીય સંકૃતિના ઇતિહાસને નજરઅંદાજ કરવામાં આવ્યો છે. પરંતુ અમે આ ભવ્ય સામુદ્રિક વિરાસતને પુનઃસ્થાપિત કરવા માટે કટિબદ્ધ છીએ. તેમણે હજારો વર્ષ જૂની પરંપરાનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, આપણે ત્યાં સિકોતર માતાને દરિયાઈ દેવી તરીકે પૂજવામાં આવતી હતી અને તેના પ્રમાણો એડન સુધી મળ્યા છે, તે દર્શાવે છે કે ખંભાતથી એડન સુધી ભારતીય વ્યાપાર થતો હતો.

સુરેન્દ્રનગરના ઝીંઝૂવાડા ગામે પણ દીવાદાંડીના પ્રમાણો મળ્યાં છે. કચ્છમાં પણ મોટા જહાજો બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો હતો. તે દર્શાવે છે કે, સમગ્ર ગુજરાતમાં સમુદ્રી વ્યાપાર સમૃદ્ધ અને સંપન્ન હતો. પરંતુ ગુલામીની માનસિકતા અને ઉદાસીનતાએ તે માટે ઘણું બધું નુકસાન કર્યું છે. કોઈ પણ વિરાસત સમય અને સ્થળ આધારિત હોય તો તે આવનારી પેઢીને પ્રેરિત કરવા સાથે ભવિષ્ય માટે સચેત કરે છે, ગુલામી કાળે આપણને આ સામર્થ્યથી વિમુક્ત કર્યા હતાં. પરંતુ આ ભવ્ય મ્યુઝિયમના નિર્માણથી ભારતના ગૌરવને પુનઃસ્થાપિત કરવું છે. છેલ્લાં આઠ વર્ષમાં દેશમાં અનેક ધરોહરોને વિકસિત કરી છે. આગામી દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજ્ય અને રજવાડાઓનું મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે. જેનાથી આપણી વિરાસત સાથે જોડાયેલી ભાવનાઓ પણ સુરક્ષિત બનાવી શકાશે અને આપણાં વડવાઓના તપ અને તપસ્યાને પણ પુનઃસ્થાપિત કરી શકાશે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારતીય સમુદ્રી સામર્થ્ય અને શક્તિના પ્રતીક એવાં લોથલના ઉત્ખનન દરમ્યાન મળેલ અવશેષો શહેરી આયોજન અને અદભૂત સ્થાપત્ય શૈલીના દર્શન કરાવે છે તેમાંથી ઘણુંબધું શીખવાનું છે. આ વિસ્તાર પર દેવી લક્ષ્મી અને સરસ્વતીના આશીર્વાદ પ્રાપ્ત હતાં તેમ જણાવી તેમણે કહ્યું હતું કે લોથલમાં ૮૪ દેશોના ઝંડા ફરકતાં હતાં તો નજીકમાં જ આવેલ વલ્લભી વિદ્યાલયમાં ૮૦ દેશના ૬,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હતાં તેવું ચીની દાર્શનિકોએ નોંધ્યું છે. ભારતનો સામાન્યમાં સામાન્ય અદનો નાગરિક ભારતની આ સમુદ્રી વિરાસતને જાણી શકે તે માટે ટેકનોલોજીના સમન્વયથી તેને પુનર્જીવિત કરવામાં આવશે તેમ જણાવી તે રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી દરરોજ પ્રવાસીઓના નવાં નવાં રેકોર્ડ બનાવે છે તે રીતે એક દિવસ લોથલ પણ બનાવશે, એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

લોથલમાં આ કોમ્પ્લેક્સના નિર્માણથી રોજગાર-સ્વરોજગારના અવસરો વિકસિત થવા સાથે સ્થાનિક પ્રવાસનનો પણ વિકાસ થશે, એવું તેમણે ઉમેર્યું હતું. આ વિસ્તારે ઘણા આકરા દિવસો જોયા છે. આ વિસ્તારમાં કોઈપણ ખેતીપાક થતો ન હતો. તેમાંથી આ વિસ્તારને બહાર લાવ્યાં છીએ. આ વિસ્તારમાં વિભિન્ન ઉદ્યોગોની સ્થાપના થઇ રહી છે. આગામી સમયમાં સેમિ કંડકટર પ્લાન્ટ પણ આકાર પામવાનો છે. પહેલા આ વિસ્તાર જેટલો વિકસિત હતો તેટલો જ ફરીથી બનાવવાં માટે કટિબદ્ધ છીએ તેમ જણાવી તેમણે લોથલના પુરાતન વૈભવ વારસાને પરત લાવવાની નેમ સાથે ઉપસ્થિત લોકોને દિવાળી તેમજ નૂતનવર્ષની શુભકામનો પાઠવી હતી.

Most Popular

To Top