National

મન કી બાતમાં પ્રધાનમંત્રીનો દાવો: વિશ્વ એઆઈ શક્તિના ઉપયોગ માટે સમિટ બન્યો નિર્ણાયક ટર્નિંગ પોઇન્ટ

પ્રધાનમંત્રી Narendra Modi એ આજરોજ રવિવાર તારીખ 22 ફેબ્રુઆરીના રોજ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 131માં એપિસોડમાં દેશવાસીઓને સંબોધતા તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી વૈશ્વિક એઆઈ ઇમ્પેક્ટ સમિટની સફળતા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ‘મન કી બાત’ દેશ અને નાગરિકોની સિદ્ધિઓને ઉજાગર કરવાનું શક્તિશાળી માધ્યમ બની રહ્યું છે અને આ સમિટ પણ ભારત માટે ગૌરવનો વિષય છે. દિલ્હીના ભારત મંડપમમાં યોજાયેલી આ સમિટમાં અનેક દેશોના નેતાઓ, ઉદ્યોગપતિઓ, ટેક ક્ષેત્રના પ્રતિનિધિઓ અને સ્ટાર્ટ-અપ સાથે જોડાયેલા યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમના મુજબ, આ સમિટ ભવિષ્યમાં વિશ્વ એઆઈની શક્તિનો ઉપયોગ કેવી રીતે કરશે તેની દિશા નક્કી કરનાર મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ છે. સમિટ દરમિયાન તેમને વિશ્વના નેતાઓ અને ટેક કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ સાથે મુલાકાત કરવાની તક મળી હતી. આ પ્રદર્શન દરમિયાન કેટલીક ભારતીય પહેલોએ ખાસ ધ્યાન ખેંચ્યું છે. તેમાં દૂધ ઉત્પાદક સંસ્થા અમૂલના સ્ટોલ પર રજૂ થયેલ એઆઈ આધારિત પ્રયોગે સૌને પ્રભાવિત કર્યા. પ્રધાનમંત્રીના જણાવ્યા મુજબ, એઆઈની મદદથી પશુઓની સારવાર, ડેરી વ્યવસ્થાપન અને ખેડૂતોએ ચોવીસ કલાક સહાય મેળવવાની સુવિધા ઉપલબ્ધ બની રહી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે બીજી મહત્વપૂર્ણ રજૂઆત ભારતની સંસ્કૃતિ અને પ્રાચીન જ્ઞાન સાથે સંકળાયેલી હતી. એઆઈની મદદથી પ્રાચીન ગ્રંથો અને હસ્તપ્રતોને કેવી રીતે સાચવી શકાય અને નવી પેઢી માટે તેને સરળ બનાવી શકાય તે દર્શાવવામાં આવ્યું. ખાસ કરીને સુશ્રુત સંહિતાના ઉદાહરણ દ્વારા બતાવવામાં આવ્યું કે ટેકનોલોજીથી જૂની હસ્તપ્રતોની છબી ગુણવત્તા સુધારી, તેને વાંચી શકાય તેવી બનાવવામાં આવી રહી છે. ત્યારબાદ તેને મશીન દ્વારા વાંચી શકાય તેવા લખાણમાં રૂપાંતરિત કરી, એઆઈ અવતાર દ્વારા વાંચન અને વિવિધ ભારતીય તેમ જ વિદેશી ભાષાઓમાં અનુવાદ કરવાની પ્રક્રિયા પણ રજૂ કરવામાં આવી. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિશ્વના નેતાઓએ ભારતના પ્રાચીન જ્ઞાનને આધુનિક ટેકનોલોજી સાથે જોડાયેલી આ પહેલમાં વિશેષ રસ દાખવ્યો. તેમણે ઉમેર્યું કે સમિટમાં ભારતની ક્ષમતાનું મજબૂત પ્રદર્શન થયું અને ત્રણ મેડ ઇન ઇન્ડિયા એઆઈ મોડેલ પણ લોન્ચ કરવામાં આવ્યા હતા. આ સમિટ અત્યાર સુધીની સૌથી મોટી એઆઈ સમિટ હોવાનું જણાવી પ્રધાનમંત્રીએ દેશના યુવાનોના ઉત્સાહની પ્રશંસા કરી અને સમગ્ર દેશવાસીઓને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

Most Popular

To Top