નવી દિલ્હી: દેશના પ્રધાનમંત્રી (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) મંગળવારની સાંજે ભાજની (BJP) કેન્દ્રિય કાર્યાલયનું ઉદ્ધાટન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ભાજપના રહેણાંક સંકુલ અને ઓડિટોરિયમનું પણ ઉદ્ઘાટન (Inauguration) કર્યું હતું. આ પ્રસંગે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, પરિવહન મંત્રી નીતિન ગડકરી અને બીજેપીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી પણ હાજર હતા.
જાણકારી મુજબ ભાજપના આ કાર્યાલયનું વિસ્તરણ એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે જો પાર્ટીનો કોઈ રાષ્ટ્રીય સ્તરના નેતા બહારથી દિલ્હી આવે છે તો તે તેઓ અહીં રહી શકે. આ ઉપરાંત આજે દિલ્હી ભાજપ કાર્યાલયનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે દિલ્હી બીજેપીનું કાર્યાલય પણ કેન્દ્રીય કાર્યાલયની નજીક બનાવવામાં આવી રહ્યું છે.
આ સમયે પીએમ મોદીએ ભાષણ આપતા જણાવ્યું હતું કે આ કાર્યાલયનું વિસ્તરણ માત્ર આ ભવનનું વિસ્તરણ નથી આ પ્રત્યેક ભાજપના કાર્યકરોના સપનાઓનું વિસ્તરણ છે. તેમણે કહ્યું કે હું પાર્ટીના તમામ કાર્યકરોને પ્રણામ કરું છું. તેઓએ વધારામાં કહ્યું કે આ કાર્યાલયની આત્મા અમારા કાર્યકર્તાઓ છે. પીએમ મોદીએ કહ્યું કે જનસંઘની શરૂઆત દિલ્હીમાં અજમેરી ગેટ પાસેની એક નાની ઓફિસથી થઈ હતી. તે સમયે અમારી દેશ માટે મોટા સપનાઓ સાથે નાની પાર્ટી હતી.
પોતાના સંબોધન દરમિયાન વિપક્ષ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે તપાસ એજન્સીઓ પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. ભ્રષ્ટાચારીઓના મૂળિયા હચમચી ગયા છે. બધા ભ્રષ્ટાચારીઓ એક થઈ ગયા છે. અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ચલાવ્યું. કેટલાક પક્ષોએ ભ્રષ્ટાચારીઓને બચાવવા અભિયાન ચલાવ્યું છે. બંધારણીય સંસ્થાઓ પર હુમલા થઈ રહ્યા છે. ન્યાયતંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે. કોર્ટના નિર્ણય પર સવાલ ઉઠી રહ્યા છે. કોંગ્રેસના શાસનમાં બેંકો લૂંટાઈ હતી. તેમના આરોપોથી દેશ અટકવાનો નથી. ભાજપને ખતમ કરવા માટે અનેક ષડયંત્રો કરવામાં આવ્યા હતા. મને પણ જેલમાં ધકેલી દેવા કાવતરું ધડવામાં આવ્યું પરંતુ તે નિષ્ફળ ગયું હતું. ભાજપ એક એવો પક્ષ છે જે યુવાનોને આગળ આવવાની તક આપે છે. આજે ભારતની માતાઓ અને બહેનોના આશીર્વાદ ભાજપ સાથે છે. PMએ કહ્યું કે, BJP માત્ર વિશ્વની સૌથી મોટી પાર્ટી નથી પણ ભવિષ્યની પણ સૌથી મોટી પાર્ટી છે.
જેપી નડ્ડાએ આ સમયે કહ્યું કે આજ સુધી પીએમના નિવાસસ્થાને પાર્ટી સંબંધિત એક પણ બેઠક થઈ નથી. પીએમ એક સામાન્ય કાર્યકરની જેમ પાર્ટી હેડક્વાર્ટરમાં આવે છે અને અહીંની તમામ મીટિંગમાં હાજરી આપે છે. આ દર્શાવે છે કે તેઓ પાર્ટીના કાર્યકર અને દેશના વડાપ્રધાન તરીકેની તેમની ફરજો કેટલી સારી રીતે નિભાવી રહ્યા છે.