Vadodara

PM ઈ-બસ સેવા અંતર્ગત ગોત્રી ખાતે ડેપોની કામગીરી તેજ, એક મહિનામાં સંપન્ન કરવાનો લક્ષ્યાંક

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નિર્માણાધીન સ્થળની મુલાકાત લઈ કામગીરીનું કર્યું નિરીક્ષણ

(પ્રતિનિધિ), વડોદરા. તા.8

વડોદરા શહેરના જાહેર પરિવહન ક્ષેત્રે ટૂંક સમયમાં જ એક નવું સોપાન ઉમેરાવા જઈ રહ્યું છે. ભારત સરકારની મહત્વકાંક્ષી ‘PM ઈ-બસ સેવા’ યોજના અંતર્ગત વડોદરા શહેરને ફાળવવામાં આવેલી ઇલેક્ટ્રિક બસો માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે આખરી ઓપ લઈ રહ્યું છે. શહેરના ગોત્રી વિસ્તારમાં આ બસો માટે તૈયાર થઈ રહેલા સિવિલ અને ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રગતિ નિહાળવા માટે આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થળ મુલાકાત લીધી હતી.

કમિશનરે ગોત્રી ખાતે ચાલી રહેલી કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેઓએ હાજર રહેલા સિવિલ અને ઇલેક્ટ્રિકલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેકનિકલ ચર્ચાઓ કરી હતી અને કામની ગુણવત્તા જળવાઈ રહે તે બાબતે ખાસ ભાર મૂક્યો હતો. કમિશનરે સ્પષ્ટ સૂચના આપી હતી કે, તમામ સિવિલ અને ઇલેક્ટ્રિકલ કામગીરી ઝડપથી પૂર્ણ કરવી. નિર્ધારિત સમય મર્યાદાનું ચુસ્તપણે પાલન કરવું. આગામી એક મહિનાની અંદર સમગ્ર કામગીરી પૂર્ણ કરી દેવી જેથી નાગરિકોને વહેલી તકે સેવાનો લાભ મળે.

વડોદરા શહેરને પ્રદૂષણ મુક્ત પરિવહન આપવા માટે તંત્ર સજ્જ છે. ગોત્રી ડેપો ખાતે ચાર્જિંગ સ્ટેશન અને જરૂરી સુવિધાઓ તૈયાર થતાની સાથે જ કેન્દ્ર સરકાર તરફથી તબક્કાવાર ઈ-બસોની ફાળવણી શરૂ કરવામાં આવશે. પ્રથમ તબક્કાની બસો માટેનું માળખું એક મહિનામાં કાર્યરત કરવાનો અમારો નિર્ધાર છે.

ઉલ્લેખનીય છે કે, PM ઈ-બસ સેવા અંતર્ગત વડોદરાને મળનારી આ બસો અવાજ અને વાયુ પ્રદૂષણમાં ધરખમ ઘટાડો કરશે. ગોત્રી ખાતેનું આ નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યાધુનિક ચાર્જિંગ પોઈન્ટ્સ, મેન્ટેનન્સ એરિયા અને ડ્રાઈવર સુવિધાઓથી સજ્જ હશે. આજની આ મુલાકાત દરમિયાન કોર્પોરેશનના અન્ય વિભાગીય વડાઓ અને એન્જિનિયરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top