આવતા 28 માર્ચથી શરૂ થનારી Indian Premier League (IPL) ભારતીય ખેલાડીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાની છે. આ વખતે લીગ માત્ર T20 ટુર્નામેન્ટ નહીં, પરંતુ 2027ના વન-ડે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગીનો એક મહત્વનો આધાર બની રહી છે. ન્યૂઝ એજન્સી Press Trust of India (PTI)ના અહેવાલ અનુસાર, BCCIની સિલેક્શન કમિટીએ આશરે 20 ભારતીય ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. આ ખેલાડીઓના IPL દરમિયાનના પ્રદર્શન અને ફિટનેસ પર ખાસ નજર રાખવામાં આવશે. ચીફ સિલેક્ટર અજિત અગરકરની આગેવાની હેઠળની સમિતિ માટે ખેલાડીઓની સતત ફોર્મ અને ફિટનેસ મુખ્ય માપદંડ રહેશે.
BCCIએ પસંદગીકારોને મેચ જોવાની ખાસ જવાબદારી સોંપી છે. દરેક સિલેક્ટર અઠવાડિયામાં ઓછામાં ઓછી એક IPL મેચ સ્ટેડિયમમાં જઈને નિહાળશે, જેથી શોર્ટલિસ્ટ ખેલાડીઓ વિશે ગ્રાઉન્ડ લેવલ રિપોર્ટ તૈયાર કરી શકાય. આ સિવાય બાકીની મેચો ટીવી દ્વારા પણ ટ્રેક કરવામાં આવશે. આ વખતે ખાસ વાત એ છે કે નવા ઉભરતા ખેલાડીઓ કરતાં વધુ ધ્યાન પહેલાથી નક્કી કરાયેલા વન-ડે કોર ગ્રુપ પર રહેશે. પસંદગીકારોની કામગીરીને ઝોન પ્રમાણે વહેંચવામાં આવી છે. Ajit Agarkar મુંબઈમાં રહેશે, જ્યારે એસ.એસ. દાસ કોલકાતામાંથી મેચો નિહાળશે. આર.પી. સિંહ અને અજય રાત્રા NCR વિસ્તારમાં રહેશે, જ્યારે પ્રજ્ઞાન ઓઝા બેંગલુરુ અને હૈદરાબાદમાં મેચ પર નજર રાખશે.
આ સાથે જ, જૂનમાં પંજાબના મુલ્લાનપુરમાં અફઘાનિસ્તાન નેશનલ ક્રિકેટ ટીમ સામે રમાનારી ટેસ્ટ મેચ માટે પણ ટીમ ઇન્ડિયા સંપૂર્ણ મજબૂત ટીમ સાથે ઉતરશે. ભલે આ મેચ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઇન્ટ્સ નહીં મળે, પરંતુ ટીમ મેનેજમેન્ટ તેને ગંભીરતાથી લઈ રહ્યું છે. ઑગસ્ટથી માર્ચ દરમિયાન ભારતને કુલ 9 ટેસ્ટ મેચ રમવાની હોવાથી તમામ મુખ્ય રેડ-બોલ ખેલાડીઓ ઉપલબ્ધ રહેશે. જો Jasprit Bumrah અને Mohammed Siraj IPL દરમિયાન ફિટ રહે છે, તો તેઓ અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ સિરીઝમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આ વખતે IPL 2026 માત્ર એક લીગ નહીં, પરંતુ ટીમ ઇન્ડિયાના ભવિષ્ય માટેનો ટ્રાયલ પ્લેટફોર્મ બની રહેશે. જે સારું રમશે એને આવનારા વર્લ્ડ કપ 2027માં એન્ટ્રી મળશે એમ પણ બીસીસીઆઈએ જણાવ્યું હતું.