Gujarat

મહિલાઓ માટે ‘પિંક ટોઇલેટ’ પહેલ , ગુજરાતમાં સ્વચ્છતા અને સુરક્ષાનો નવો ધોરણ

ગાંધીનગર,તા.17
રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં મહિલાઓની સુવિધા, સ્વચ્છતા અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા ‘પિંક ટોઇલેટ’ બનાવવાની મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ‘નિર્મળ ગુજરાત 2.0’ અભિયાન અંતર્ગત આ યોજના અમલમાં મૂકાશે, જેના માટે વર્ષ 2026-27ના બજેટમાં ₹59.14 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તથા શહેરી યાત્રાધામોમાં મહિલાઓ માટે સ્વચ્છ અને આધુનિક પિંક ટોઇલેટ્સનું નિર્માણ થશે. આ ટોઇલેટ્સમાં 4 સામાન્ય સીટ, દિવ્યાંગ મહિલાઓ માટે અલગ સીટ, ચેન્જિંગ રૂમ, બેબી ફીડિંગ રૂમ અને મહિલા કેરટેકર જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જે મહિલાઓ માટે વધુ આરામદાયક અને સુરક્ષિત વાતાવરણ ઉભું કરશે.

‘નિર્મળ ગુજરાત’ યોજના, જેની શરૂઆત વર્ષ 2007માં પીએમ નરેન્દ્ર મોદીએ કરી હતી, હવે ‘નિર્મળ ગુજરાત 2.0’ તરીકે વધુ વ્યાપક બની છે. વર્ષ 2026-27માં આ અભિયાન હેઠળ પિંક ટોઇલેટ્સ ઉપરાંત ઘન કચરાનું સંગ્રહ, જાહેર શૌચાલયોની જાળવણી અને નદીઓની સફાઈ જેવા ચાર નવા ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના માટે કુલ ₹329.54 કરોડ ફાળવાયા છે. આ પહેલથી રાજ્યમાં 100% ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ સુનિશ્ચિત કરવામાં આવશે અને સ્વચ્છતા ક્ષેત્રે ગુજરાતને દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન અપાવવાનો માર્ગ વધુ મજબૂત બનશે. પિંક ટોઇલેટ્સનો આ નિર્ણય મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જે સ્વચ્છતા સાથે તેમની સુરક્ષા અને ગૌરવને પણ પ્રોત્સાહન આપશે.

Most Popular

To Top