કેટલીક વાતો એક યા બીજા સ્વરૂપે, વારંવારના પુનરાવર્તનથી એવી ઠસાવી દેવામાં આવે છે કે તેની સામે સવાલ ઉઠાવનાર ‘નાતબહાર’ ગણાઈ જાય. આ હકીકતનો પ્રમાણમાં નિર્દોષ એવો એક નમૂનોઃ ‘કબૂતરો શાંતિપ્રિય હોય છે’ અથવા ‘કબૂતરો શાંતિદૂત છે.’
હા, બાળપણથી જ પેઢીઓની પેઢીઓને એવું ઠસાવી દેવામાં આવ્યું છે કે કબૂતર તો અત્યંત શાંતિપ્રિય પક્ષી છે. જુઓને, કેવું ભોળુંભાળું દેખાય છે. તેનું ભોળપણ સિદ્ધ કરવા માટે તેને ‘પારેવું’ નહીં, ‘પારેવડું’ કહેવામાં આવે છે ને તેની આંખને કવિઓ ‘આંખડી’ કહે છે. એક સમયે જાહેર કાર્યક્રમોના આરંભે શાંતિનો સંદેશ આપવા માટે કબૂતરો ઉડાડવામાં આવતાં હતાં. તેનાથી સ્ટેડિયમમાં કે કાર્યક્રમના સ્થળે ભવ્ય દૃશ્ય સર્જાતું હશે, પણ લોકોને કદી એ વિચાર આવતો ન હતો કે આટલાં બધાં કબૂતર ત્યાંથી ઉડીને ક્યાં જતાં હશે અને કોનાં ઘરમાં જઈને ખરાબી કરતાં હશે.
કબૂતરો ઉડાડવાથી શાંતિનો સંદેશો શી રીતે આપ્યો ગણાય, એની અરસિક તપાસ રહેવા દઈએ. તેનાથી પણ વધારે પાયાનો મુદ્દો છે કે કબૂતરોએ નેતાઓના હાથે ઉડ્યા વિના, પોતાના જીવન થકી કે કાર્યો થકી શાંતિનો સંદેશો ક્યારે આપ્યો? ફિલ્મમાં હીરોઇન કબૂતરને પ્રેમપત્રો ભળાવીને ‘જા જા જા’ કહેતાં ગીતો ગાય એ તો કાલ્પનિક સૃષ્ટિ છે. ઘણી જૂની ફિલ્મોમાં હીરોઇનો આ કામ હીરોઇનો કાગાને ઉર્ફે કાગડાને સોંપતી હતી અને ‘કાગા રે, જા રે જા રે’ જેવાં ગીત ગાતી હતી. પછી આ કામમાં કબૂતરો દાખલ થયાં હશે. કારણ કે કાગડો પ્રથમ દૃષ્ટિએ ફિલ્મી વિલનના સાગરિત જેવો દુષ્ટ લાગે, જ્યારે કબૂતરો પ્રમાણમાં નિર્દોષ. દેખાવથી છેતરાવાની માણસની જૂની ટેવ હોવાથી કદાચ કબૂતરો પ્રેમીઓ વચ્ચેની ચિઠ્ઠીચપાટીઓનાં કાસદ બન્યાં હશે. પરંતુ તેમાં શાંતિનો સંદેશ ક્યાં આવ્યો? ઉલટું, તેમની આ પ્રકારની ભૂમિકાથી મજબૂત થયેલા પ્રણયસંબંધો નિષ્ફળ જતાં અશાંતિનું અને સફળ થઈને લગ્નમાં પરિણમતાં કદાચ વધુ અશાંતિનું કારણ બન્યા હશે. એટલે ઘણાખરા સરકારી દાવાઓની જેમ કબૂતરોની શાંતિપ્રિયતાનો કે પ્રેમનો દાવો પણ ઠંડા કલેજે તપાસતાં ટકે એવો લાગતો નથી.
કબૂતરોનો ઉપયોગ શાંતિસંદેશા મોકલવા કરતાં ઘણો વધારે યુદ્ધકાળમાં થયો છે. કબૂતરો દિશાશોધનની કુદરતી શક્તિને કારણે અને ખાસ તો, આપણી સ્કૂલોમાં ભૂગોળ નહીં ભણ્યા હોવાને કારણે, તેમની ભૂગોળ બહુ પાકી છે. એટલે તેમની નિર્દોષતા અને શાંતિપ્રિયતા અંગે લોકોને ભૂલા પાડી શકે, પણ રસ્તા શોધવામાં તે પોતે ભૂલાં પડતાં નથી. તેમનું ભોળપણ દેખાવમાં મિસ્ટર બીન જેવું લાગે, પણ યુદ્ધના સમયમાં ગુપ્ત રીતે સંદેશા પહોંચાડવાના મામલે તેમનું કામકાજ જેમ્સ બોન્ડ જેવું ગણાતું હતું. આમ પણ, શાંતિના સંદેશા મોકલવા માટે કબૂતરોની શી જરૂર? એ કામ તો માણસ મોકલીને ખુલ્લેઆમ કરી શકાય. આટઆટલી ઐતિહાસિક અને તાર્કિક હકીકતો છતાં, શાંતિદૂત તરીકેની તેમની ઇમેજ ખરડાઈ નથી.—જેમ અઢળક ભપકા કરતા વડાપ્રધાનની ફકીર તરીકેની ઇમેજ (અમુક લોકોના મનમાં) જળવાઈ રહી છે. તે સૂચવે છે કે ઇમેજને હકીકતો કે તર્ક સાથે સંબંધ હોવો બિલકુલ જરૂરી નથી.
કબૂતરો ઘરેલુ પક્ષી છે. ‘ઘરેલુ’નો અર્થ ‘શાંતિપ્રિય’ થતો નથી, એ તો સૌ પોતપોતાની રીતે જાણતા જ હશે. છતાં, કબૂતરોની છાપ, વગર સાયબર સેલે, એવી જોરદાર ઊભી થઈ કે લોકો તેમને શાંતિપ્રિય-અહિંસક ગણી બેસે છે. કબૂતરો ઘરમાં પોલાણવાળી જગ્યાઓમાં માળા બાંધે છે ને પરિવારનો વિસ્તાર કરે છે. પરંતુ લાંબા સમયથી રહેતા ઘણા ભાડૂઆતો જેમ ઘર માટે માલિકીભાવ અનુભવવા લાગે અને તેમની આવી વૃત્તિને ટોકવામાં આવતાં તે ગુસ્સે ભરાય છે, એવું શાંતિપ્રિય કબૂતરોના કિસ્સામાં પણ થઈ શકે છે.
ઘરની એક બાલ્કનીમાં ઘણાં વર્ષથી કબૂતરોની આવી અવરજવર હતી. એસીના બહારના યુનિટ પર તે માળો તો બાંધતાં જ. સાથોસાથ, બહારથી આણેલાં તણખલાં એસીના યુનિટમાં ખોસીને, તે શબ્દાર્થમાં સળીઓ કરતાં હતાં. પરંતુ કબૂતરો તો શાંતિપ્રિય. તેમની કોઈ પણ પ્રવૃત્તિને અશાંતિકારક કેવી રીતે ગણાવી શકાય? ઉપરાંત, એવી દલીલ પણ મનમાં ઉગે કે મનુષ્યોએ અસલમાં પશુપક્ષીઓની જગ્યાઓ જ પચાવી પાડી છે. તો થોડુંઘણું વેઠવું પડે. આમ, માણસ તરીકેનો અપરાધભાવ અને કબૂતરની પરંપરાગત છાપ સીધાં પગલાં ભરવાની આડે આવીને ઊભાં રહે.
તેના કારણે ઘણા વખત સુધી કબૂતરોનું સળીકર્મ વેઠ્યું. પરંતુ તેમને ફક્ત આટલાથી સંતોષ ન હતો. તેમણે આખી બાલ્કનીને તેમના માટે સુલભ એવું શૌચાલય ગણી લીધી. સરકાર બિચારી શૌચમુક્ત ભારતની આટઆટલી જાહેરાતો કરે, પણ દુષ્ટ કબૂતરો પર તેની કશી અસર જ નહીં. તેમણે સરકારને બદનામ કરવાની ઝુંબેશ હાથ ધરી હોય તેમ, આખી બાલ્કની એવી ચિતરી મુકી કે બાલ્કની તેમની હોય ને અમે પચાવી પાડી હોય.
કબૂતરોની ચીન જેવી પેશકદમી જોતાં મોડે મોડેથી અને કઠણ કાળજે પ્લાસ્ટિકની જાળી મુકાવવી પડી. ત્યાર પછી કબૂતરોનું ‘માથાભારે ભાડૂઆત સિન્ડ્રોમ’ પ્રકાશ્યું. ચાંચ વડે જાળી પર તેમણે હિંસક હુમલા શરૂ કર્યા અને થોડા દિવસમાં તો બાલ્કનીમાં પ્લાસ્ટિકની જાળીના ભૂકાસ્વરૂપે નવો, વધારાનો કચરો ઉમેરાયો. આક્રમકતાથી જાળી પર અને બારીઓ પર ચાંચ વડે હુમલા કરતાં કબૂતરોનું રૌદ્ર સ્વરૂપ મેટલની જાળી કરાવ્યા પછી અદૃશ્ય થયું છે. તે ફરીથી શાંતિપ્રિય લાગવા માંડ્યા છે, પણ કોના ભોગે, તે ખબર નથી.