IPL દરમિયાન રાજસ્થાન રોયલ્સના ટીમ મેનેજર દ્વારા મેચ દરમિયાન મોબાઈલ ફોન વાપરવાનો મામલો હવે વિવાદમાં આવ્યો છે. આ ઘટનાને ગંભીરતાથી લેતા BCCIએ કડક કાર્યવાહી શરૂ કરી છે. રિપોર્ટ મુજબ, બોર્ડે રાજસ્થાન રોયલ્સના મેનેજર રોમી ભિન્ડરને નોટિસ મોકલી છે અને તેમને 48 કલાકમાં જવાબ આપવા જણાવ્યું છે. આ નોટિસ BCCIની એન્ટી કરપ્શન એન્ડ સિક્યુરિટી યુનિટ (ACSU) તરફથી મોકલવામાં આવી છે. આ ઘટના 10 એપ્રિલે ગુવાહાટી ખાતે રમાયેલી IPL 2026ની મેચ દરમિયાન બની હતી, જેમાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આમને-સામને હતા. રાજસ્થાનની બેટિંગ વખતે ટીમ મેનેજર ડગઆઉટ પાસે બેસીને મોબાઈલ ફોન વાપરતા જોવા મળ્યા હતા. તેમની બાજુમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી પણ બેઠો હતો અને તે પણ ફોન જોઈ રહ્યો હતો.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. વીડિયો સામે આવ્યા બાદ BCCIના સચિવે પણ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની વાત કહી હતી. નિયમ મુજબ, IPLમાં પ્લેયર્સ એન્ડ મેચ ઓફિશિયલ્સ એરિયા (PMOA) હેઠળ કેટલાક કડક નિયમો લાગુ પડે છે. તેમાં ટીમ મેનેજર અને સિક્યુરિટી મેનેજરને મોબાઈલ રાખવાની છૂટ હોય છે, પરંતુ તે માત્ર ડ્રેસિંગ રૂમ સુધી મર્યાદિત છે. ડગઆઉટમાં મોબાઈલ વાપરવો નિયમનો ભંગ માનવામાં આવે છે. આ કારણે ભિન્ડર પાસેથી સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે કે તેમણે મેચ દરમિયાન ડગઆઉટમાં મોબાઈલ કેમ વાપર્યો. જો તેઓ સંતોષકારક જવાબ આપી શકશે નહીં, તો તેમના સામે વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે. આ ઘટના ફરી એકવાર બતાવે છે કે IPLમાં નિયમો ખૂબ જ કડક છે અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ સામે બોર્ડ તરત જ પગલાં લે છે.