GIL, DST અને GNLU વચ્ચે એમઓયુ
ગાંધીનગર, તા. 9
ડિજિટલ ગવર્નન્સ અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં કુશળ માનવબળ તૈયાર કરવા માટે ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), બ્લોકચેન, સાયબર સિક્યુરિટી અને ઈમરજિંગ ટેકનોલોજી લો એન્ડ પોલિસી વિષયક પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સ શરૂ કરવા માટે ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL), વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU) વચ્ચે ગાંધીનગર ખાતે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ ભાગીદારી અંતર્ગત GIL દ્વારા ઉભરતી ટેકનોલોજી અને તેના નિયામક માળખા સંબંધિત વિશિષ્ટ શૈક્ષણિક કાર્યક્રમોની રચના અને અમલીકરણમાં GNLU ને સહયોગ આપવામાં આવશે. સૂચિત પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સનો મુખ્ય ઉદ્દેશ્ય ટેકનોલોજી અને કાયદા ક્ષેત્રે આંતર-શાખાકીય કુશળતા ધરાવતા વ્યાવસાયિકો તૈયાર કરવાનો છે.
કોર્સમાં AI ગવર્નન્સ, બ્લોકચેન રેગ્યુલેશન, સાયબર સુરક્ષા કાયદા, ડેટા પ્રાઇવસી તેમજ ડિજિટલ ગવર્નન્સ માટેના પોલિસી ફ્રેમવર્ક જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ પહેલ ગુજરાતની ઝડપથી વિકસતી ડિજિટલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે કુશળ કાર્યબળ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.