Gujarat

અમદાવાદમાં પાલતુ શ્વાનના અંતિમ સંસ્કાર હવે માણસોની જેમ કરાશે

અમદાવાદ: અમદાવાદ મનપાના સીએનસીડી વિભાગ દ્વારા ગુજરાતમાં પેટ ડોગ ઓનર્સ માટે સૌપ્રથમવાર કોર્પોરેશન સંચાલિત સીએનજી બેઝ્ડ ક્રિમેટોરિયમ મશીન પેટ ડોગ્સની અંતિમવિધિની સુવિધા માટે કાર્યરત કરવામાં આવ્યું છે.
અમદાવાદ મનપા દ્વારા મૃત પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી સદગત જીવાત્માને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવાની ઉત્તમ સુવિધા શરૂ કરવામાં આવી છે. સીએનસીડી એબીસી સેન્ટર, જમાલપુર ચાર રસ્તાથી ખોડિયારનગર ચાર રસ્તા રોડ, સુએઝ પંપીંગ સ્ટેશન કેમ્પસ, બહેરામપુરા ખાતે રૂ. 30 લાખના ખર્ચે સી.એન.જી. ગેસ સંચાલિત ડોગ ક્રિમેટોરિયમ (એનિમલ ક્રિમેટર) કાર્યરત કરાયું છે. આ ઉપરાંત, શ્વાનના ખસીકરણ ઓપરેશન દરમિયાન નીકળતા ઓર્ગનના નાશ માટે નાનું ઓર્ગન ક્રિમેટર મશીન છેલ્લા બે વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે.

બે ડોગના અંતિમ સંસ્કાર માટે આશરે 14 યુનિટ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે, જ્યારે એક ડોગ માટે અંદાજે રૂ. 700 જેટલો ખર્ચ આવે છે. આ મશીન પર્યાવરણીય માપદંડોને અનુરૂપ, સ્મોક ઓડરલેસ અને કલરલેસ તેમજ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે.

CCTV સુવિધા હોવાના કારણે પેટ ડોગ ઓનર પોતાના ઘરે બેઠા પોતાના પેટ ડોગની અંતિમવિધિ જોઈ શકે છે. પેટ ડોગની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પેટ ડોગની અસ્થિ/રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકીને સન્માનપૂર્વક પેટ ડોગ ઓનરને તેમના ઘરે સુધી આપવાની સુવિધા છે.

આ ક્રિમેટેરિયમનાં ઉપયોગની પ્રક્રિયામાં પેટ ડોગનાં મૃત્યુની જાણ 155303 પર ફોન કરી જાણ કરવાની હોય છે, તેમજ પેટ ડોગનાં રજિસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહે છે. આ ઉપરાંત ખાતાની અંતિમ ધામ જીવ સેવા રથ, ફુલહાર, પૂજા સામગ્રી સાથે મૃત ડોગ્સનાં સ્થળ પર માલિકની મુલાકાત લઇ પેટડોગ્સની વિધિવત માલિક દ્વારા તેના ઘરે પૂજા વિધિ, ફુલહાર કરી પેટ ડોગને સન્માનપૂર્વક ક્રિમેટોરિયમ ખાતે લાવવામાં આવે છે. માલિક ઇચ્છે તો ક્રિમેશનની વિધિમાં સામેલ રહી શકે છે. જો પેટ ડોગનું રજિસ્ટ્રેશન થયેલ ન હોય તો તેવા માલિકો માટે ઓનલાઇન માધ્યમથી રજીસ્ટ્રેશન/શ્વાન સેવા ડોનેશન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. પરિવારજનો માટે ફોટો અથવા વિડિયો તેમજ પેટ ડોગના મૃત્યુનું પ્રમાણપત્ર અને વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યાદગીરી સંદેશ આપવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

Most Popular

To Top