આજથી થોડા વર્ષ પહેલા જયારે સાદા મોબાઇલ ફોનને સ્થાને સ્માર્ટફોનનું ચલણ વધવા માંડયુ ત્યારે કદાચ ઘણા ઓછાએ ધાર્યું હશે કે લોકોને આ સ્માર્ટફોનનું આટલુ બધુ વળગણ થઇ જશે. આજે તમે જ્યારે કોઇ મેટ્રો, બસ અથવા કોઇ રેસ્ટોરન્ટના ટેબલ પર પણ જુઓ તો તમને આજકાલ એક દ્રશ્ય સામાન્ય જણાશે અને તે એ કે લોકો પોતાના માથા ઝુકાવીને સતત પોતાના સ્માર્ટફોનમાં જોવામાં વ્યસ્ત હોય છે. ફક્ત ભારતમાં જ નહીં વિશ્વના મોટા ભાગના દેશોમાં આ સ્થિતિ છે.
ભારતમાં મોબાઇલ ફોનનો પ્રવેશ થયો, તેના પછી સ્માર્ટફોન આવ્યા. અને પછી મોબાઇલ ઇન્ટરનેટને વેગ મળ્યો પછી તો સ્માર્ટફોનનો વપરાશ ખૂબ વધી ગયો. વધુને વધુ લોકો સાદા મોબાઇલ ફોનને બદલે સ્માર્ટફોન અપનાવવા માંડ્યા અને આ સ્માર્ટફોન પર મોબાઇલ ઇન્ટરનેટનો વપરાશ વધવા માંડયો અને લોકો પોતાનો ઘણો બધો સમય સ્માર્ટફોન પાછળ ખર્ચવા લાગ્યા છે. હાલમાં બહાર પડેલા એક અંદાજ મુજબ ગયા વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૪માં ભારતના લોકોએ કુલ મળીને ૧.૧ લાખ કરોડ કલાકો તેમના સ્માર્ટફોનમાં તાકી રહેવામાં ખર્ચ્યા છે. ઇવાય દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલ તેના વાર્ષિક એન્ટરટેઇનમેન્ટ અહેવાલમાં જણાવ્યા મુજબ ભારતીયોએ ગત વર્ષ દરમ્યાન રોજના સરેરાશ પાંચ કલાક સ્માર્ટફોન પાછળ વાપર્યા હતા. આમાંથી પણ તેમનો ૭૦ ટકા સમય સોશ્યલ મીડિયા, ગેમિંગ અને વીડિયોઝ પાછળ ગયો હતો. સ્માર્ટફોનના અનેક લાભ પણ છે અને ગેરલાભ પણ છે. સ્માર્ટફોન થકી, ઇન્ટરનેટની મદદથી આપણા ઘણા કામ સરળ થઇ ગયા છે અને ઘણી બધી માહિતી, સેવાઓ વગેરે હાથવગા બન્યા છે.
નેટબેન્કિંગ વડે બેન્કને લગતી ઘણી સેવાઓ હવે ઘરબેઠા મળી જાય છે. બેંકની બ્રાન્ચના ધક્કા ખાવા પડતા નથી. કોઇને નાણા મોકલવા હોય તો ઘરમાં બેઠા બેઠા થોડી ક્ષણોમાં કામ થઇ જાય છે. દુનિયાભરના સમાચાર તમને વિવિધ મીડિયા એપ્સ વગેરે દ્વારા ઉપલબ્ધ થઇ જાય છે. પરંતુ લોકો ઘણી વસ્તુઓના સદુપયોગને બદલે દુરુપયોગ વધારે કરે છે અને આમાં સ્માર્ટફોન કદાચ ટોચ પર આવી શકે. આપણે ઉપર જોયું તેમ ગયા વર્ષે ભારતીયોનો ૭૦ ટકા સમય સોશ્યલ મીડિયા, ગેમિંગ અને વીડિયોઝ પાછળ ગયો હતો. દેખીતી રીતે આમાં તેમનો ઘણો બધો સમય ખોટી રીતે જ વેડફાયો છે.
ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટ ખૂબ સસ્તુ થઇ ગયું અને નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મ્સ વધ્યા, સોશ્યલ મીડિયાનો વ્યાપ વધ્યો તે પછી સ્માર્ટફોનનો વપરાશ ખૂબ વધ્યો છે. લોકો સ્માર્ટફોન પાછળ તેમનો વધુ સમય ફાળવતા થયા તે પછી ધંધાદારી કંપનીઓને તેમની જાહેરાતો કરવાની પેટર્ન પણ બદલી છે. હવે આ કંપનીઓ ડીજીટલ એડવર્ટાઇઝિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારતમાં ડીજીટલ ચેનલો એ ૨૦૨૪માં ભારતનો એકમાત્ર ૨.૫ લાખ કરોડ રૂપિયાનો ધંધો બની ગયો છે અને તે પ્રથમ વખત ટેલિવિઝનથી આગળ નિકળી ગઇ છે. સ્માર્ટફોનના વધેલા વપરાશથી બીજા પણ અનેક ધંધાઓને ફાયદો થયો છે, કન્ટેન્ટ ક્રિએટરોને પણ ખૂબ કમાણી થઇ છે. એટલે સ્માર્ટફોન યુઝરો પોતાનો સમય વેડફી જ દે છે એમ કહી શકાય તેમ નથી. છતાં એ પણ હકીકત છે કે લોકોનો ઘણો બધો સમય સ્માર્ટફોનમાં ખોટી રીતે વેડફાય છે અને ભારતમાં તો લોકો પોતાનો ઘણો સમય આ રીતે બગાડે છે.
વિશ્વમાં ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ પછી સ્માર્ટફોન પાછળ સમય ખર્ચવામાં ભારતના લોકોનો ક્રમ ત્રીજો આવે છે. ઇન્ડોનેશિયા અને બ્રાઝિલના લોકોની વાત ત્યાંના લોકો અને સરકારો જાણે, આપણો ક્રમ સ્માર્ટફોન પાછળ ખર્ચાતા સમયમાં દુનિયાભરમાં ત્રીજો આવે છે તે આપણા માટે ચિંતાની વાત છે. આપણા લોકો ઘણો બધો સમય સ્માર્ટફોન પાછળ વેડફી રહ્યા છે તે કઠોર વાસ્તવિકતા છે. સોશ્યલ મીડિયા, ઓનલાઇન ગેમિંગ વગેરેના તેમના પોતાના તો ભયસ્થાનો છે જ, પરંતુ હાલ અહીં તેની ચર્ચા નથી. લોકોના વેડફાતા સમયની વાત છે, અને વળી સ્માર્ટફોનના વધુ પડતા વપરાશને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસર, સામાજીક સંબંધોમાં ઘટાડો, તનાવ અને રૂક્ષતા જેવી સમસ્યાઓ પણ ઉભી થાય છે.
સ્માર્ટફોનના અનેક લાભદાયી ઉપયોગ પણ છે. તેના વડે સમાચારો જાણી શકાય છે, હવામાનની વિગતો જાણી શકાય છે, ઓનલાઇન ખરીદી કરી શકાય છે કે બેંકિંગ વ્યવહારો કરી શકાય છે. રેલવે, બસ વગેરેની ટિકીટોનું બુકીંગ કરી શકાય છે. મોબાઇલ ઇન્ટરનેટ આવ્યા પછી પારાવાર કાર્યો મોબાઇલ સ્માર્ટફોન વડે કરી શકાય છે. પરંતુ લોકો ખોટી રીતે જ વધુ પડતો સમય સ્માર્ટફોન પાછળ બગાડી રહ્યા છે. લોકો સ્માર્ટફોન પાછળ નિરર્થક રીતે ખોટો સમય વેડફવાનું બંધ કરે તે માટે હવે તો ખાસ અભિયાન શરૂ કરવું પડશે એમ લાગે છે.
