SURAT

સુરતના નાનપુરામાં આ પ્રોજેક્ટનાં નિર્માણને મંજૂરી મળતા લોકોએ કરી ઉજવણી

સુરત: છેલ્લાં બે વર્ષથી ટલ્લે ચડેલા નાનપુરા, લક્કડકોટ સ્થિત મચ્છી માર્કેટના પ્રોજેક્ટ માટે હવે કેન્દ્ર સરકારના સંબંધિત વિભાગે એનઓસી આપી દેતાં આ પ્રોજેક્ટ સાકાર કરવાનો રસ્તો સાફ થઇ ગયો છે. હવે શહેરની વચોવચ્ચ અદ્યતન અને કોલ્ડ સ્ટોરેજની સગવડ સાથેની વિશાળ મચ્છી માર્કેટ બનશે. વરસોથી અટવાઇ રહેલા આ પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની પણ મંજૂરી મળી જતાં સ્થાનિક વેપારીઓ અને નગરસેવકોએ એકબીજાને મીઠાઇ ખવડાવી, ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

  • નાનપુરામાં મચ્છી માર્કેટના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી
  • વર્ષ-2017માં પ્રોજેક્ટ મંજૂર કરાયા બાદ મોનુમેન્ટ ઓથોરિટી દ્વારા વાંધો ઉઠાવાતાં અટકાવાયો હતો
  • 2020થી પ્રોજેક્ટ અટવાયો હતો, બે વર્ષ બાદ મંજુરી મળી

કોટ વિસ્તારમાં નાનપુરા લક્કડકોટ ખાતે નોંધ નં.2666, 2877થી 2880, 2882થી 2885, 2886 એ અને 2879 વાળી જમીનમાં મનપા દ્વારા ફિશ માર્કેટ પ્રોજેક્ટ માટે ઓક્ટોબર-2017માં એ.એલ.પટેલ નામની એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપાયો હતો. 18 માસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હતો. નિર્માણાધિન ફિશ માર્કેટ પ્રોજેક્ટનું બાંધકામ શરૂ થયા બાદ નેશનલ મોનુમેન્ટ ઓથોરિટી દ્વારા પ્રોજેક્ટની ઊંચાઇ બાબતે વાંધો ઉઠાવાતાં 2020માં આ બાંધકામ અટકાવી દેવું પડ્યું હતું. બાદ મનપા દ્વારા ફિશ માર્કેટના પ્લાનમાં સુધારો કરી મોનુમેન્ટ ઓથોરિટીની મંજૂરી હેતુ મોકલવામાં આવ્યો હતો. મનપાની સતત રજૂઆતો બાદ ઓથોરિટીના અધિકારીઓએ 27 ફેબ્રુઆરી-2022ના રોજ સ્થળ વિઝિટ કરી હતી.

બે વર્ષથી ટલ્લે ચડ્યો તો પ્રોજેક્ટ
આ સ્થળ વિઝિટ બાદ નેશનલ મોનુમેન્ટ ઓથોરિટી દ્વારા નાનપુરા, લક્કડકોટ ખાતે ફિશ માર્કેટ અને એસએમસી ઓફિસ બાંધવા માટે રિવાઇઝ એનઓસી ઇસ્યુ કરી છે. જે મુજબ હવે ફિશ માર્કેટ પ્રોજેક્ટની હાઇટ ૯.૨૫૯ મીટર અને મનપાએ બિલ્ડિંગ માટે ૧૬.૧૦ મીટર સુધીની હાઇટ માટે બાંધકામની મંજૂરી આપી છે. તેથી બે વર્ષથી ટલ્લે ચડેલા આ પ્રોજેક્ટને પુન: શરૂ કરવા રસ્તો સાફ થઇ ગયો હોવાથી નાનપુરા, માછીવાડ વિસ્તારના સ્થાનિક વેપારીઓએ આ પ્રોજેક્ટ માટે સતત મનપામાં રજૂઆતો કરનારા સ્થાનિક ભાજપી કોર્પોરેટરો અશોક રાંદેરિયા અને વ્રજેશ ઉનડકટને સ્થળ પર બોલાવી આભાર માન્યો હતો અને અને મીઠાઇ ખવડાવી, ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

Most Popular

To Top