સુરત: ઉધના ઝોન (UDHNA ZONE)ની સંકલન મીટિંગ (COORDINATION MEETING)માં ભાજપ (BJP)ના નગર સેવકો વચ્ચેની જુથબંધી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ (PADESARA HOUSING BOARD)ના જર્જરીત મકાનો મુદ્દે જોવા મળી હતી. ગુજરાત હાઉસિંગ બોર્ડન મકાનો જર્જરીત છે. તેના રિ-ડેવલોપમેન્ટ પ્લાન (REDEVELOP PLANT)નું આયોજન સરકાર દ્વારા હાથ ધરાયું છે પરંતુ આ મકાનો જર્જરીત છે તેથી જોખમી હોય વસવાટ બંધ કરાવવા માટે હાઉસિંગ બોર્ડે મનપાને પત્ર લખી (LETTER TO SMC)ને પડકાર રૂપ કામગીરી માટે મનપાને હાથો બનાવી છે.
અહી 2260 ફ્લેટ ધારકો છે જે રિ-ડેવલોપમેન્ટ સ્કીમનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે ઉધના ઝોનની સંકલન બેઠકમાં હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાન તાત્કાલિક તોડી પાડવા (DEMOLITION)ની ફરિયાદ થઇ હતી. તો સ્થાનિક મહિલા કોર્પોરેટરે અહીના લોકોને વૈકલ્પીક વ્યવસ્થા આપીને પ્રશ્નનો નિવેડો લાવવા માટે રજૂઆત કરી હતી. જો કે મનપાના જ એક સ્થાનિક નથી તેવા નગર સેવકે પાંડેસરા હાઉસિંગ બોર્ડના લોકોએ આપણને મત આપ્યા નથી તેના મકાનો તો તોડી જ નાંખો તેવી રજુઆત કરતા વિવાદ થયો છે.
સુરત મનપાના ઉધના ઝોનમાં પાંડેસરા હાઉસિંગ બોર્ડના 2260 ફ્લેટ આવ્યા છે. વર્ષો પહેલા બનેલા આ ફ્લેટ જર્જરિત થઈ ગયાં છે અને અકસ્માત થઈ શકે તેવી શક્યતા હોવાથી અગાઉ પાલિકાએ નળ અને પાણી જોડાણ કાપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભાજપના જ કોર્પોરેટરે લોકોની હેરાનગતિ ન કરીને તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપી રિ-ડેવલપમેન્ટ કરવાની વાત કરી અટકાવ્યું હતું. ગઈકાલની બેઠકમાં ભાજપના એક સભ્યએ જર્જરિત થયેલા હાઉસિંગ બોર્ડના મકાન તાત્કાલિક તોડી પાડવાની માગણી કરતાં પાલિકા કમિશ્નરે જર્જરિત બિલ્ડીંગ ઉતારી દેવાની સૂચના પણ આપી હતી.
આ બિલ્ડીંગો જર્જરિત છે અને અકસ્માત થાય તેવી શક્યતા પણ છે તેમ છતાં તાત્કાલિક તોડી પાડવાની ફરિયાદ પાછળ ભાજપની જુથબંધી હોવાનું કહેવાય રહ્યું છે. ફરિયાદમાં એક તબક્કે એક કોર્પોરેટર એવું પણ બોલી ગયાં હતા કે અહીથી મત મળતાં નથી અને બિલ્ડીંગ પણ જર્જરિત છે, તેથી તાત્કાલિક ઉતારી દેવા જોઈએ. જોકે, ભાજપની જુથબંધી અને મહાનગર પાલિકા અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ હોવાથી હાલ તો ગુજરાત હાઉસીંગ બોર્ડના જર્જરિત મકાનમાં રહેતાં 2260 પરિવારોનું ભાવિ જોખમમાં મુકાયું છે.
મંદિર કાયદેસર હોય કે નહી, ભગવાન તો છે, આજુબાજુમાંથી નોનવેજના દબાણો હટાવો
ઉધના ઝોનની સંકલન મીટિંગમાં પાંડેસરા રોડ પર એક મંદિરની આજુબાજુમાં વેચાતા મટન-મચ્છીના દબાણો બાબતે પણ રજૂઆત કરવામાં આવી હતી તેમજ આ જગ્યાએથી દબાણકર્તાઓને દૂર કરવા માંગણી કરવામાં આવી હતી. દરમિયાન મનપા કમિશનરે આ મુદ્દે એવી પુછપરછ કરી હતી કે, મંદિર કયારે બન્યું ? કાયદેસર છે કે નહી ? તેથી ભાજપના સભ્ય વિજય ચૌમાલે એવી ટકોર કરી હતી કે, મંદિર કાયદેસર હોય કે નહી તેમાં મુકેલી ભગવાનની મુર્તિ તો કાયદેસર છે જ તેથી તેની આજુબાજુમાં માંસ-મચ્છી વેચાતી હોય તો હટાવવા જ જોઇએ.