National

માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને મળશે હવે 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ મફત સારવાર

ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતોના કારણે હજારો લોકોના જીવ જાય છે. આ ચિંતાજનક સ્થિતિને ઘટાડવા અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકારે પીએમ રાહત યોજના શરૂ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમઓને નવા ‘સેવા તીર્થ’ ભવનમાં સ્થાનાંતર કર્યા પછી પોતાની પ્રથમ મહત્વપૂર્ણ કાર્યવાહી તરીકે આ યોજનાને મંજૂરી આપી છે. જેમાં માર્ગ અકસ્માતમાં ઈજા પામનાર લોકોને મોટી રાહત મળે તેવી નવી યોજના શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી રાહત યોજના હેઠળ હવે અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને 1.5 લાખ રૂપિયા સુધી કેશલેસ સારવાર મળશે. એટલે કે દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી તરત સારવાર શરૂ થઈ જશે અને શરૂઆતમાં પૈસા ભરવાની જરૂર નહીં પડે. આ યોજના ખાસ કરીને એવા લોકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેઓ અકસ્માત પછી પૈસાની અછતને કારણે સમયસર સારવાર મેળવી શકતા નથી. ઘણા કેસોમાં સારવાર મોડે શરૂ થવાથી જીવ જોખમમાં મૂકાય જાય છે. હવે આ યોજનાથી ગંભીર રીતે ઘાયલ લોકોને ઝડપથી સારવાર મળી શકશે. જો ઈજા ગંભીર ન હોય તો દર્દીને 24 કલાક સુધી દેખરેખ હેઠળ રાખીને જરૂરી સારવાર આપવામાં આવશે. પરંતુ ઈજા જીવલેણ અથવા ગંભીર હોય તો સારવારનો સમયગાળો 48 કલાક સુધી વધારી શકાય છે. સમગ્ર પ્રક્રિયા ડિજિટલ સિસ્ટમમાં નોંધાશે અને તેની ચકાસણી કરવામાં આવશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે અને ખોટા કે ખોટા દાવાઓને અટકાવી શકાય.

આ યોજનાના નિયમ મુજબ, અકસ્માત થયા બાદ પહેલા સાત દિવસ સુધીની સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. તેમાં ઓપરેશન, દવાઓ, ટેસ્ટ, હોસ્પિટલમાં રહેવાનો ખર્ચ સહિતની જરૂરિયાતોનો સમાવેશ થાય છે. સારવાર માન્ય હોસ્પિટલોમાં જ મળશે અને અકસ્માતની જાણ પોલીસને નોંધાવવી જરૂરી રહેશે. સરકારનો હેતુ છે કે “ગોલ્ડન અવર” એટલે કે અકસ્માત પછીના પ્રથમ કલાકોમાં યોગ્ય સારવાર મળે અને વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાય. આ પગલાથી ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને મોટી રાહત મળશે. માર્ગ અકસ્માત જેવી અચાનક દુર્ઘટનામાં હવે ઓછામાં ઓછું સારવારના ખર્ચની ચિંતા નહીં રહે. આ યોજના ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ 112 સાથે સંકલિત કરવામાં આવી છે. માર્ગ અકસ્માત થાય ત્યારે પીડિત, ત્યાંથી પસાર થતા લોકો અથવા મદદની જરૂરિયાત ધરાવતા કોઈપણ વ્યક્તિ 112 નંબર પર ફોન કરી શકે છે. કૉલ મળતા જ નજીકની સરકારી અથવા માન્ય હોસ્પિટલ અંગે માહિતી આપવામાં આવે છે અને એમ્બ્યુલન્સ તરત જ સ્થળ પર મોકલવામાં આવે છે. પોલીસ, એમ્બ્યુલન્સ સેવા અને હોસ્પિટલ વચ્ચે અસરકારક સમન્વય સુનિશ્ચિત કરાયો છે, જેથી ઘાયલ વ્યક્તિને શક્ય તેટલી વહેલી તકે યોગ્ય સારવાર મળી શકે.

Most Popular

To Top