Editorial

લોકોને બેવડો માર, RBIએ રેપોરેટ નહીં ઘટાડ્યો અને જીએસટીના ઘટાડાનો લાભ મળતો નથી

છેલ્લા ઘણાં સમયથી આરબીઆઈ દ્વારા સતત રેપોરેટમાં વધારો કરવામાં આવી રહ્યો હતો. ફુગાવાને અંકુશમાં લેવાના નામે આ રેપોરેટ વધારવામાં આવી રહ્યો હતો. જોકે, ,થોડા સમય પહેલા જ ફુગાવો ઘટતાં આરબીઆઈએ રેપોરેટ ઘટાડ્યો પણ હતો પરંતુ હાલમાં જ્યારે રેપોરેટ ઘટાડવાની જરૂરીયાત છે ત્યારે જ આરબીઆઈએ તેમાં ઘટાડો નહીં કરીને લોકોને નિરાશ કરી નાખ્યા છે. સરકાર દ્વારા જીએસટીમાં ઘટાડો કરાયા બાદ આરબીઆઈએ રેપોરેટ ઘટાડવાનો ઈન્કાર કરી દીધો છે.

આરબીઆઈની MPC બેઠકમાં આ સતત બીજી વખત રેપોરેટમાં ઘટાડો કરાયો નથી. અગાઉ ઓગષ્ટ માસમાં પણ રેપોરેટ ઘટ્યો નહોતો. અર્થશાસ્ત્રીઓ એવી અપેક્ષા રાખી રહ્યા હતા કે આરબીઆઈ દ્વારા 0.25નો રેપોરેટમાં ઘટાડો કરવામાં આવશે પરંતુ તેવું થયું નથી. આરબીઆઈએ રેપોરેટ નહીં ઘટાડતા સામી દિવાળીએ કોઈના જ ઈએમઆઈ ઘટશે નહીં. લોકોની અપેક્ષા હતી કે આરબીઆઈ રેપોરેટ ઘટાડીને તેમના ઈએમઆઈ ઘટાડશે.

રેપોરેટ એટલે એ આંક કે જેના આધાર પર બેંકો દ્વારા વ્યાજના દર નક્કી કરવામાં આવે છે. રેપોરેટ ઘટે તો લોનમાં ફાયદો થાય અને વધે તો થાપણોમાં ફાયદો થાય. હાલમાં રેપોરેટ 5.50 છે. જો આરબીઆઈ ઈચ્છ્યું હોત તો રેપોરેટમાં ઘટાડો કરી શક્યું હોત. પરંતુ તેમ થયું નથી. ફુગાવા અને ટેરિફને કારણે વૃદ્ધિમાં સંભવિત ઘટાડા સહિતના કારણોને કારણે આરબીઆઈ રેપોરેટમાં ઘટાડો કરી શકી હોત પરંતુ આરબીઆઈ એવું માને છે કે રેપોરેટમાં ઘટાડો કરવાથી નાણાંકીય વર્ષમાં કોઈ લાભ મળી શકે તેમ નથી.

અગાઉ આરબીઆઈના ગવર્નર દ્વારા ડિસેમ્બરમાં દર ઘટાડાનો સંકેત આપવાામં આવ્યો હતો. આ વર્ષે આમ તો રેપોરેટમાં 1નો ઘટાડો થયો છે. જેમાં ફેબ્રુઆરી અને એપ્રિલમાં 25-25 બેસિસ અને બાદમાં જૂનમાં 50 બેસિસનો ઘટાડો કરાયો હતો. આરબીઆઈની નાણાંકીય નીતિ સમિતી દ્વારા જોકે, વર્તમાન નાણાંકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિનો દર 6.5 થી વધારીને 6.8 ટકા કરવામાં આવ્યો છે. આરબીઆઈ એવું માને છે કે જીએસટીમાં ઘટાડો ફુગાવા પર મધ્યમ અસર કરશે અને વપરાશ તેમજ વૃદ્ધિને વેગ આપશે.

આરબીઆઈ દ્વારા ચાલુ નાણાંકીય વર્ષના ફુગાવાનો અંદાજ પણ 0.50 ટકા ઘટાડી દેવામાં આવ્યો છે. જેને કારણે દેશના ફુગાવાનો અંદાજ 2.6 ટકા થયો છે. આ અંદાજ 3.1 ટકા નક્કી કરવામાં આવ્યો હતો. જે અગાઉ 3.7 ટકા હતો. આ બતાવી રહ્યું છે કે આરબીઆઈ દ્વારા ફુગાવાનો અંદાજ સતત ઘટાડવામાં આવી રહ્યો છે. આરબીઆઈની ઓગષ્ટની બેઠકમાં ચાલુ નાણાંકીય વર્ષમાં 6.5 ટકાનો વિકાસદરનો અંદાજ મુકવામાં આવ્યો હતો.

જોકે, આમાં હવે વૃદ્ધિ થાય તેવી સંભાવના નથી. કારણ કે પ્રથમ ત્રિમાસિક ગાળામાં 6.5 ટકા, બીજા ત્રિમાસિક ગાળામાં 6.7 ટકા અને ત્રીજા ત્રિમાસિક ગાળમાં 6.6 અને ચોથા ત્રિમાસિક ગાળામાં વૃદ્ધિ દર 6.3 ટકા હોઈ શકે છે. આરબીઆઈ જીએસટીમાં કરાયેલા ઘટાડા પર મોટો મદાર રાખી રહી છે. આરબીઆઈએ જીએસટીમાં ઘટાડાને કારણે રેપોરેટ ઘટાડ્યો નથી પરંતુ સત્ય હકીકત એ છે કે જીએસટીમાં થયેલા ઘટાડાનો લાભ હજુ સુધી મોટાભાગના ગ્રાહકો સુધી પહોંચ્યો જ નથી. જો જીએસટીના ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી નહીં પહોંચે તો આરબીઆઈની ગણતરી ખોટી પડશે. એક તરફ જીએસટીના ઘટાડાનો લાભ મળ્યો નથી અને બીજી તરફ આરબીઆઈએ રેપોરેટ નહીં ઘટાડતાં લોકોને બંને તરફથી માર પડ્યો છે તે હકીકત છે.

Most Popular

To Top