સુરત: એક તરફ લોકોને વેક્સિન (CORONA VACCINE) મળતી નથી, વેક્સિનનો પુરતો પ્રમાણમાં જથ્થો આવી રહ્યો નથી. જેના કારણે લોકોને બીજા ડોઝ માટે રાહ (PEOPLE ARE WAITING) જોવી પડી રહી છે. તેમજ 18 થી ઉપરના લોકોને રજિસ્ટ્રેશન (REGISTRATION)નો વારો જ આવી રહ્યો નથી. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં પણ શહેરીજનોને પરસેવો પડી રહ્યો છે.
ત્યારે સામાન્ય સભા ઓફલાઇન કરાવવા માટે 20 કોર્પોરેટર્સ (COUNCILOR)ને તાબડતોબ રસી આપી દેવામાં આવી છે જેનાથી એ ફલિત થાય છે કે સુરત મહાનગર પાલિકા (SMC) સામાન્ય પ્રજા અને નગરસેવકો વચ્ચે ભેદભાવ કરી રહી છે. સુરત મનપા દ્વારા કોરોનાની બીજી લહેરમાં અત્યારસુધી ઓનલાઈન જ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ કોર્પોરેટરોની માંગ અને કોરોનાના ઘટતા કેસને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા હવે આ વખતની સામાન્ય સભા ઓફલાઇન યોજવાનું આયોજન કરાયું છે. પરંતુ તેમાં તમામ કોર્પોરેટરોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઈ લીધો હોવો જરૂરી છે. 120 કોર્પોરેટરો પૈકી 20 કોર્પોરેટરોને તાત્કાલિક વેક્સિન આપી દેવામાં આવી છે.
મેયરે કોર્પોરેટર્સને ફ્રન્ટલાઇન વોરિયર્સ ગણાવી દીધા
વિવાદનો પર્યાયી બની ચૂકેલા મેયરે કોર્પોરેટર્સને પણ ફ્રન્ટલાઇન વોરિયર ગણાવી તેમના માટે તાબડતોબ વેક્સિનેશનની વ્યવસ્થા ઊભી કરી દીધી છે. તેમને કદાચ ખબર નથી કે હવે રસી આપવા માટે સામાન્ય પ્રજા કે ફ્રન્ટલાઇન વોરિયર્સ જેવી મર્યાદા રહી નથી. તેઓ કહે છે કે, કોર્પોરેટર્સ લોકોની વચ્ચે રહેતા હોવાથી ફ્રન્ટ લાઇનર્સ કહેવાય પરંતુ હકીકત એ છે જેમણે ફરજિયાત કોરોનાના દર્દીના સંપર્કમાં આવવું પડે તેવા હેલ્થ વર્કર્સ, કલેક્ટર, પોલીસ, પાલિકા અને કલેક્ટર કચેરીના કર્મચારી જ ફ્રન્ટલાઇન વોરિયર્સ કહેવાય છે.
24 કલાકમાં વધુ 18031 લોકોનું વેક્સિનેશન થયું
શહેરમાં શુક્રવારે 18,031 વેક્સિનના ડોઝ મુકવામાં આવ્યા હતા. જેમાં 18 થી 44 વયજુથના કુલ 4870 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. તેમજ સીનીયર સીટીઝનમાં 3253 ને પ્રથમ અને 6169 ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. અને હેલ્થ તેમજ ફ્રન્ટલાઈન વર્કરોમાં 581 ને પ્રથમ ડોઝ અને 3158 ને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.