Columns

મોટીવેશનલ સ્પીકરોનો તોતા જાપ: લોકો પૂછતા નથી કે, ‘તમે વોરેન બફેટ કેમ ન બન્યા?’

હમણા થોડા વરસોથી અમુક લોકો બરાડા પાડી પાડીને કહી રહ્યા છે કે, ‘તારામાં શકિત છે, તું કંઇપણ અશકયને શકય બનાવી શકે છે. તું પોતે (એટલે કે માણસ) તારી શકિતઓને છૂટી મૂકતો નથી. તું એક ઘરેડમાં બંધાઇ ગયો છે. ફલાણા માણસે માત્ર ડૂંગળી અને રોટલો ખાઇને મહેનત કરી અને પૈસા અને પ્રસિધ્ધિ બન્ને કમાયો. લોકો વોરેન બફેટના, ધીરૂભાઇ અંબાણીના ઉદાહરણો આપે. ઘણી વખત ઉદાહરણોને રસપ્રદ બનાવા ખોટી વાયકાઓને પણ તેમાં જોડી દે.

પણ વાત એટલી આસાન હોતી નથી. વાસ્તવમાં બોલનારો પોતાનો પ્રેરણાત્મક બોલવાનો ધંધો ચમકાવતો હોય છે. એવા અમુક લોકોને આ લખનાર જાણે છે કે તેઓ ડોકટરીમાં નિષ્ફળ ગયા અને મોટીવેટર અથવા પ્રેરણાદાયી પ્રવચનો આપનાર તરીકે સફળ થયા. એવું નથી કે પ્રેરણાના પુસ્તકોમાંના બધા લખાણો અર્થહીન અથવા બિનઅસરકારક હોય છે. તેનો થોડો ઘણો રંગ જરૂર ચડતો હશે. કોરી પાટી પર વધુ માત્રામાં ચઢતો હશે. પણ આવા પ્રવચનો સાંભળીને કે શિક્ષણ મેળવીને સફળતા પ્રાપ્ત કરી શકાતી હોત તો આજે મેનેજમેન્ટ અને ફીનાન્સની કોલેજમાં ભણેલા બધા વોરેન બફેટ હોત. દેશની તમામ ગાયિકાઓ (સ્ત્રીઓ નહીં) લતા મંગેશકર અથવા ભાઇઓ મોહમ્મદ રફી હોત. પરંતુ જગતમાં સફળતાની ટકાવારી લગભગ એટલી જ રહે છે જેટલી અગાઉના, ખાસ અભ્યાસ વગરના યુગમાં વસતિના પ્રમાણ પ્રમાણે રહેતી હતી.

કારણ શું? પ્રથમ તો આ વકતાઓ એમ માની લે છે, અથવા જાણતા હોવા છતાં લોકોને એવું ખોટું મનાવવાનો પ્રયત્ન કરે છે કે દુનિયાના તમામ નર માતાઓ રોબોટની જેમ યુનિફોર્મ અર્થાત એક સરખી શકિતઓ, આવડતો સાથે, પસંદગી, નાપસંદગી સાથે ઘડાયેલા છે. બધા જ લોકો એક સરખી માત્રામાં પ્રેમ, ગુસ્સો, જવાબદારી, બેજવાબદારી, નફરત, લાલચ, પસંદ, નાપસંદ, ભાવના, લગાવ વગેરે ધરાવે છે. ભલા માણસો, માણસોએ બનાવેલાં રોબોટ પણ આટલી હદે એક સરખાં હોતાં નથી. જયારે દરેક માનવીના ડીએનએ જ અલગ અલગ છે. ઉપરથી એક સરખા દેખાતા લોકો વાસ્તવમાં દેખાવથી પણ એક સરખા નથી. દરેકને નાક, કાન, કપાળ, હાથ, પગ છે પણ એક સરખા નથી. અને અંદરની પ્રકૃતિમાં એક વ્યકિત બીજી વ્યકિત સાવ ભિન્ન છે. વિચારો થોડા મળતા આવતાં હોય તો પણ બંને વચ્ચે મિત્રતા ટકે, પણ ભાગ્યે જ વિચારો મળતા હોય છે અને તો પણ સાથે રહેતા હોય છે.

વકતાઓ, પ્રવચનકારો વગેરે સફળતાનો અર્થ એ જ કરતા હોય છે કે કાં તો પોતાના ક્ષેત્રમાં કંઇક ઉત્તમ સર્જન કરવું અને કાં શ્રીમંત બનવું અથવા પૈસો અને પ્રસિધ્ધિ બંને પ્રાપ્ત કરવા. પણ પાયાનો સવાલ એ છે કે વકતાને પૈસા કમાવાનું પસંદ છે એટલું શ્રોતાને હોતું નથી. શ્રોતાને એટલાં પૈસા કમાવાનુ પસંદ છે જેના વડે એના આર્થિક વ્યવહારો, સામાજિક વ્યવસ્થામાં આબરૂ અને આમ સહજ સુવિધાઓ મળી રહે એટલું ઘણું માનતા હોય છે. અમારા એક મિત્ર હીરાના ધંધામાં કરોડો રૂપિયા કમાયા હતા પરંતુ અમુક ધંધાઓને નીતિમતાની રીતે વજર્ય ગણતા હતા. માણસના દિલમાં, દિમાગમાં રહેલા દયા, પ્રેમ, કરુણા, રાષ્ટ્રપ્રેમની ભાવનાઓ એને અમુક બંધનોમાં આપમેળે ઝકડી રાખતી હોય છે. બાળકોનાં જીવન ન બગડે એટલે છૂટાછેડા લીધાં ન હોય અને જીવનમાં એક છાને ખૂણે, પ્રતિભા સંકેલીને બેસી ગયાં હોય તેવા અનેક લોકોને આપણે જાણીએ છીએ.

બીજી મહત્વની વાત. સફળતા, સફળતા અને માત્ર સફળતાનો ડંગોરો પીટતા લોકો એ ભૂલી જાય છે કે, અથવા સિફતપૂર્વક ભૂલી જાય છે કે દરેકની બુધ્ધિ પ્રતિભા એક સરખી હોતી નથી. એ રીતે બ્લેક ફિલ્મ એક ભણેલાઓનો ત્રાસવાદ હતો. આ મારી માન્યતા છે. હજરો લાખો વિદ્યમાન બુધ્ધિજીવીઓની આપણે કદર કરતા નથી. વસિષ્ટ નારાયણ સિંહ જેવા આઇનસ્ટાઇન સમકક્ષ વિજ્ઞાનીને સમાજ વિસારે પાડી દે છે અને જેને મારી મારીને શિખવવાની જરૂર નથી એ બાળક પર માત્ર એ ચાલીસ વરસની ઉંમરે થોડું શિખી શકે તે માટે ત્રાસ ગુજારવામાં આવે છે. એ બાળાને પ્યારથી દુ:ખ દર્દો આપ્યા વગર, ફૂલની માફક સંભાળવા માટે કૂદરતે તમને સોંપી હતી. ઘડવી હોય તો એવી ઘણી કાચી પ્રતિભાઓ સમાજમાં વેલની માફક થડ માટે તલસી રહી છે. તેઓને તેઓની પ્રતિભા અનુસાર બળ, સામર્થ્ય, પ્રેમ આપો. એ અર્થમાં આમીર ખાનની ‘તારે જમીન પર’ ફિલ્મ ખૂબ જ સમજદારી ભરેલી ફિલ્મ હતી. થ્રી ઇડિયટસ પણ ખરી.

જગતના લોકો આધુનિક ગણાવા કાજે એક મહત્વના પરિબળનો અનાદર કરે છે, કદાચ ખાનગીમાં સ્વીકારતા હશે તે છે નસીબ. લોકોના નસીબ પણ હોય છે. એ ખરૂં કે નસીબ સારા છે કે નહીં તે જાણવા માટે મહેનત કરવી પડે. પણ મહેનત કરવાની ધગશ અને સમજદારી અથવા બંને ડીએનએમાં હોય છે. જન્મદત્ત પ્રકૃતિમાં હોય છે. ઘણામાં ટેલેન્ટ હોય, પણ સફળ થવાની ઇચ્છા કે ખેવના જ ડીએનએમાં ન હોય. નારગોલ મુકામે નિવૃત થઇને વસતા સંગીતકાર બરજોર લોર્ડને હમણા મળવાનું થયું. એ બજી લોર્ડ તરીકે ઓળખાય. સ્મૃતિભ્રંશની વ્યાધિ એમને લાગુ પડી છે. વાંદરામાં એ પ્રસિધ્ધ લોર્ડ કુટુંબમાં જન્મ્યા. એમના પિતા, ભાઇ કેરસી લોર્ડ વગેરે પ્રસિધ્ધ ફિલ્મ સંગીતકારો સાથે પરકશનિસટ તરીકે આ  પારસી કુટુમ્બના સભ્યોએ સંગીત પીરસ્યું હતું.

એમના પિતા કાવસ લોર્ડ પણ જાણીતા પરકશનિસ્ટ. આરાધના ફિલ્મના રૂપ તેરા મસ્તાના ફિલ્મના ગીતના પ્રારંભમાં જે તાલવાદ્યો અને માઉથ ઓર્ગન વાગે છે તે કાવસ અને કેરસી લોર્ડ વગાડયા હતા. સાયોનારા, સાયોનારા ગીતમાં બામ્બુના વાદ્યમાંથી જે તાલ સંગીત નીકળે છે તે બજી લોર્ડે વગાડયું હતું. પરંતુ બજી લોર્ડ કહે છે કે એ જુવાન થયા ત્યાં સુધી સંગીતકાર કે વાદક બનવાની એમની કોઇ ઇચ્છા ન હતી. ઘરમાં સંગીતનું વાતાવરણ હતું અને ભાઇ કેરસી લોર્ડના કહેવાથી એ આ સંગીતકારોની દુનિયામાં આવી ગયા. કહેવાય ને નસીબની વાત. ભલે કયા કૂળમાં જન્મ થાય, કયા ઠેકાણે જન્મ થાય તેનું સફળતામાં દર વખતે મહત્વ હોતું નથી, પણ જીવનમાં આટઆટલું વાંચ્યા પછી સમજાય છે કે અનેક કિસ્સામાં એ વાત મહત્વની પુરવાર થાય છે. લતા, આશા,મીના વગેરે માટે વાતાવરણ એક સરખું હતું પણ લતા અને આશા સફળ થયા એટલા બીજા ન થયા.

ટુંકમાં એક વ્યકિતની સફળતામાં મલ્ટીપલ ફેકટરો કામ કરે છે તેમ નિષ્ફળતામાં પણ મલ્ટીપલ ફેકટરો કામ કરે છે. સચિન તેંડુલકરનો સગો ભાઇ સામાન્ય ક્રિકેટર ન બની શકયો. બધામાં માતા પિતાના એક સરખા ડીએનએ વારસામાં આવતા નથી. કોઇનામાં માતાના, કોઇનામાં પિતાના ગુણ વધુ ઓછી માત્રામાં હોય તો પણ ફરક પડે. બંનેના ગુણ મળીને કોઇ ત્રીજું, ચોથું, પાંચમું વ્યકિતત્વ પેદા કરે છે. બીબીસી સાયન્સ દ્વારા ગર્ભાધાન અને તેમાંના બાળકનું બંધારણ વિષય પર ‘વુમ્બ’ શિર્ષકથી એક સરસ ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી છે. તેમાં દર્શાવાયું છે કે એક જ ફલિત સ્ત્રીબીજનું બે ભાગમાં આપમેળે વિચ્છેદન થયું. પરિણામે ગર્ભમાં જોડિયાં બાળકો મોટા થયાં.

જન્મ્યાં બાદ એક બાળક સજાતીય અથવા ગે થયું ત્યારે બીજું સાધારણ બન્યું. આને નસીબ ન કહેવાય તો બીજું શું કહેવું? કહેવાનું તાત્પર્ય એ કે સફળતા કે નિષ્ફળતા માટે માત્ર એક જ વ્યાખ્યા નથી, એક જ પરિબળ નથી અને એક જ ચાવી નથી.  છતાં ઘણા લોકો માત્ર અમુક ભ્રમ ફેલાવતા રહે છે. તેની ખરાબ આડઅસર એ લોકો પર પડે છે જેઓ સંજોગોવસાત નિષ્ફળ રહ્યા હોય અથવા નિષ્ફળ રહેવાનું પસંદ કર્યું હોય. તેઓમાં લઘુતાગ્રંથિનો એક ખોટો અથવા હીનભાવ પેદા થાય છે. આ ભ્રમણાઓ, તેના દંભી પુરસ્કર્તાઓની વાતોનું વિવેચન કરી તાગ મેળવવાનો પ્રયત્ન આ કોલમમાં હમણા ચાલુ રખાશે. આવતા અંકે પણ.

Most Popular

To Top